અમદાવાદ: અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં લવ, સેક્સ ઓર ધોકા જેવી બાબત ખુલવા પામી છે. બે બાળકોની માતાને પહેલા પ્રેમજાળમાં ફસાવી યુવકે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું અને મહિલા સાથે સંબંધો કેળવીને તેને લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી સંબંધી બાંધીને તેની પાસેથી પૈસા પણ પડાવ્યા અને અંતે ન તો પૈસા પરત આપ્યા નતો તેની સાથે લગ્ન કર્યા. આ ઘટનાને લઈને મહિલાએ પોલીસની મદદ માગી છે.
બે બાળકો સાથે અલગ રહે છે : મહિલા અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. મહિલા સિલાઈ કામ તેમજ અલગ અલગ બેંકમાંથી જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાનું કામ કરે છે. વર્ષ 2006માં તેના લગ્ન સામાજિક રીતે રિવાજ મુજબ એક યુવક સાથે લગ્ન થયા હતા, જે લગ્ન જીવનમાં તેને 16 વર્ષ અને 13 વર્ષના બે બાળકો છે. છેલ્લા ચાર વર્ષથી તે સામાજિક રીતે પતિથી અલગ થઈ ગઈ છે અને જે બાદથી તે પોતાના બે સંતાનો સાથે ભાડાના મકાનમાં અલગ રહે છે.
મહિલા પાસેથી નાણાં પડાવતો રહ્યો આરોપી : વર્ષ 2019 માં મહિલાને તેની સોસાયટીમાં રહેતા નરેન્દ્ર પરમાર સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જે બાદ મહિલા પ્રેમી સાથે રહેતી હતી. જે સંબંધ નરેન્દ્રના ઘરવાળાઓને ગમતો ન હોવો છતાં પણ તે નરેન્દ્ર પરમાર સાથે રહેતી હતી. નરેન્દ્ર પરમાર ચાંગોદર ખાતે કારખાનું ચલાવતો હોય તેને આ કારખાનું ચલાવવામાં ધંધો કરવા માટે પૈસાની જરૂર હોવાથી મહિલાએ પોતાની પાસે બચતના રહેલા બે લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ બાઈક લેવા માટે 20 હજાર રૂપિયા તેમજ મોબાઇલ લેવા માટે 21 હજાર રૂપિયા અને એક ઈકો ગાડી લેવા માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતાં.
દાગીના ગીરવે મૂકી પૈસા આપ્યાં : જે બાદ સપ્ટેમ્બર મહિનામાં નરેન્દ્ર પરમારની ઇકો ગાડી સર્વિસ રીપેરીંગ કરાવી હોય અને હપ્તાના પૈસા ભરવાના હોવાથી મહિલાએ તેના ઘરેણા ગીરવે મૂકી અને તેના પૈસા ચૂકવ્યા હતા. ગીરવે મુકેલા ઘરેણાના પૈસા નરેન્દ્રએ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હતા અને તેને પૈસા કે ઘરેણા પરત કર્યા ન હતા. 2019 થી 2022 સુધી નરેન્દ્ર પરમારે મહિલા સાથે તેના ઘરમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા અને અવારનવાર જબરદસ્તી કરી મારઝૂડ પણ કરતો હતો.
આ પણ વાંચો માતા અને તેના લિવ ઈન પાર્ટનર સાથે પુત્રી-જમાઈએ કરી છેતરપિંડી
મારી નાખવાની ધમકી : મહિલા પ્રેમીના કહ્યા પ્રમાણે ન કરતી તો તે તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પ્રેમી તેની સાથે લગ્ન કરતો ન હોય જેની જાણ કરવા માટે મહિલાએ પ્રેમીના ઘરે જઈને તેના પિતાને આ બાબત જણાવતા તેઓએ પણ ઉશ્કેરાઈને તેમજ નરેન્દ્ર પરમારના મોટાભાઈએ ઝઘડો કર્યો હતો. જે બાદ મહિલા પૈસાની માંગણી કરવા પ્રેમીના ઘરે જતી ત્યારે તેને પૈસા નહીં મળે થાય તે કરી લે તે પ્રકારની ધમકીઓ પરિવારજનો દ્વારા આપવામાં આવતી હતી. ઘરમાંથી કાઢી મૂકવામાં આવતી હતી. અંતે સમગ્ર મામલે મહિલાએ નરેન્દ્ર પરમાર સહિત 6 લોકો સામે દુષ્કર્મ તેમજ છેતરપિંડી અને મારામારી સહિતની કલમો હેઠળ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આરોપી દુષ્કર્મના અન્ય ગુનામાં પહેલેથી જ જેલમાં બંધ : આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. રાઠોડે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે પોલીસને જાણ થઈ હતી કે, આ ગુનામાં આરોપી નરેન્દ્ર પરમાર હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયેલા દુષ્કર્મના ગુના માટે હાલ જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનામાં સામેલ આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.