અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી થયેલા બે બાળકોના અપહરણ કેસમાં પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદથી સગીરોનું અપહરણ કરી બંનેને દાહોદ લઈ જવામાં આવ્યા હતાં અને પરિવાર પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે આરોપીઓની ગાડી વરસાદમાં ફસાઈ જતા ત્યાં જ સગીરોને મુકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદથી દાહોદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.
નારણપુરા પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ અપહરણ કરી ફરાર થઈ જતા અંતે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. અંતે દાહોદ પોલીસની મદદથી આરોપીઓની ધરપકડ કરી નારણપુરા પોલીસે કસ્ટડી મેળવી છે. આ મામલે આરોપીઓની રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવશે...જી.એસ શ્યાન(ઈન્ચાર્જ ACP,બી ડિવીઝન)
આરોપીઓની ધરપકડ : અમદાવાદના નારણપુરા પોલીસે આ મામલે કૃણાલ ઉર્ફે કરણ ઉર્ફે કેડી રાજપુત, શકીલ ખાન પઠાણ, મનીષ ભાભોરની ધરપકડ કરી છે. સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. મહત્વનું છે કે તમામ આરોપીઓની ધરપકડ અપહરણ અને ખંડણીના ગુનામાં કરવામાં આવી છે. પ્રીત કોન્ટ્રાક્ટર અને જીલ ઉપાધ્યાય નામના બે બાળકોના અપહરણ કરી પરિવાર પાસેથી ઈન્સ્ટાગ્રામ મારફતે 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનામાં અમદાવાદથી અપહરણ કરી ભાગેલા આરોપીઓને દાહોદના પીપલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા અને બંને બાળકોનો છુટકારો થયો હતો.
બાળકો નાસીને ગ્રામજનો પાસે પહોંચી ગયાં : અપહરણ પહેલા બંને ભોગ બનનાર બાળકો જીલના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતાં. તે સમયે આરોપીઓએ માથાકૂટ કરી બંનેને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જોકે દાહોદ સુધી પહોંચવા માટે પીપલોદ ટોલટેક્સ પર ટેક્સ ભરવા માટે રૂપિયા ન હોવાથી ગાડી પીપલોદ ગામમાં જવા દીધી હતી. ત્યાં વરસાદના લીધે ગાડી ફસાઈ જતા બંને અપહૃત બાળકોને મોકો મળતા નાસીને ગ્રામજનો પાસે પહોંચી ગયા હતાં, જે બાદ તમામ હકીકતની જાણ થતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની પણ તે જ ગામમાંથી ધરપકડ કરી હતી.
કયા કારણોસર આ બનાવ બન્યો તેની તપાસ : અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે આરોપીઓ અને ભોગ બનનાર બાળકો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મિત્રતા ધરાવે છે. બીજી તરફ આ ગુનાના આરોપી કેડી રાજપૂત અને શકીલખાન સાળા બનેવી થાય છે. જેથી કયા કારણોસર આ બનાવ બન્યો. સાથે જ આરોપીઓનું અન્ય શું પ્લાનિંગ હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
- Surat News: સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું
- Ahmedabad News : USAમાં અમદાવાદના વધુ એક યુવકની અપહરણ બાદ હત્યા, 1 લાખ US ડૉલર-70 કિલો ડ્ર્ગ્સની માંગી ખંડણી
- Ahmedabad Crime News: અમદાવાદમાં ગર્લફ્રેન્ડ બાબતે યુવકનું અપહરણ કરી મોબાઈલની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા