અમદાવાદઃ યુવાનો વિદેશ જવા માટે કંઈ પણ પ્રયોગ કરી બેસતા હોય છે. જેના કારણે પછીથી આર્થિક રીતે ભોગવવાનો વારો આવે છે. એક તરફ યુવાનોમાં વિદેશ જવાની હોડ લાગી છે, તેવામાં આ બાબતનો જ ફાયદો ઉઠાવી અમુક લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે, આવા જ એક ગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. જેણે અનેક લોકોને વિદેશ જવાની ટિકિટ સસ્તામાં કરાવી આપવાની લાલચ આપી દોઢ કરોડ જેટલી માતબર રકમ પડાવી હતી.
સસ્તી એરટિકિટની વાતઃ કેનેડા સહિત અલગ અલગ દેશમાં જવા ઓનલાઇન સસ્તી એર ટીકીટના નામે અમદાવાદમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. સસ્તી એર ટિકિટના નામે લેભાગુ એજન્ટ લોકોના દોઢ કરોડ પોતાના ખિસ્સામાં સેરવી ફેરાર થઇ ગયો હતો. આખરે તે એજન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે.
પોલીસ ફરિયાદ થઈઃ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. જેમાં વિદેશ મોકલવાના નામે સસ્તી એર ટિકિટ કરવાની લોભામણી લાલચ આપી ગ્રાહકોને લાખોનો ચૂનો લગાવી એજન્ટ વિરલ પારેખ રફુચક્કર થઈ ગયો હતો. ગ્રેસીયસ હોલીડેના નામે બિઝનેસ કરતા પતિ-પત્ની ફરાર હતા. જોકે હજુ આરોપીની પત્ની ફરાર હોય તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.
આરોપી છેલ્લા એક વર્ષથી પોતાની ફર્મ ચલાવતો હતો અને ઓનલાઈન ચીંટીંગ આચરી રોકાણ તેણે ક્યાં કર્યું છે તે તપાસ શરુ કરવામાં આવી છે. તેની પત્નીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.---કે.વાય વ્યાસ (સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PI)
પૈસા ખંખેરી લેતોઃ આ કેસમાં પકડાયેલો આરોપી વિદેશની ગ્રૂપ ટિકિટ બુકિંગ કરાવી ત્યારબાદ રિફન્ડના નાણાં પોતાના ખાતામાં સેરવી લેતો હતો. આ પ્રકારે તેણે 35 લોકો સાથે અંદાજે દોઢ કરોડ રૂપિયાનું ચીટિંગ કર્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલો એજન્ટ વિરલ પારેખ પાસે સ્ટુડન્ટસ અને કેનેડા, લંડન સહિત વિદેશ ફરવા જનારા લોકોએ ગ્રુપમાં ટીકીટ બુકીંગ કરાવ્યું હતું. એજન્ટ ઘરે જ ટિકિટ બુકીંગનું કામ કરતો હતો. જોકે આરોપીની વધુ તપાસ કરવા પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.