અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં સમગ્ર બનાવ સામે આવ્યો છે, જેમાં સામાન્ય બાબતમાં ચાર શખ્સોએ ભેગા મળી યુવકને તલવાર અને પથ્થરો વડે હુમલાઓ કરી ઈજાઓ પહોંચાડી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે વટવા પોલીસે સામ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ બાબતે સામસામે ગુનો દાખલ કરી બંને પક્ષેથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે, સામાન્ય બાબતમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે વધુ તપાસ ચાલુ છે. -પ્રદીપસિંહ જાડેજા,એસીપી, જે ડિવિઝન
10 તારીખે બની ઘટના : વટવામાં સૈયદવવાડી ખાતે રહેતા અહેમદરઝા મેવ નામના 19 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 10 મી સપ્ટેમ્બરમાં રોજ રાતના 10:30 વાગ્યા આસપાસ સૈયદ વાડી ખાતે ઉભો હતો, ત્યારે જાવેદ હુસેન ઉર્ફે બોબી આવ્યો હતો અને ફરિયાદીને તું સરફરાજનગરમાં બેસે છે અને મારી ખોટી વાતો કરે છે, તેમ કહીને ઝઘડો કર્યો હતો. તે સમયે ફરિયાદીના મામાનો દીકરો શાહનવાઝ મેવાતી આવી જતા જાવેદ હુસેનના મિત્રો જેમાં શાબબાઝ લકુમ, પરવેઝ તેમજ રાનુ આવી ગયા હતા અને ચારે જણાએ ભેગા મળીને ફરિયાદીને ગંદી ગાળો આપી હતી.
તલવાર મારી : અહેમદ રઝાએ ગાળો બોલવાની ના પાડતા જાવેદ હુસેને પોતાની એકટીવામાંથી તલવાર કાઢી યુવકને છાતીના ઉપર એક ઘા માર્યો હતો અને શાહનવાઝને કાન ઉપર તલવારથી માર માર્યો હતો. જે બાદ તમામ મિત્રોએ ભેગા મળીને ફરિયાદી અને તેના ભાઈને માર માર્યો હતો. જોકે તે દરમિયાન ફરિયાદીનો અન્ય ભાઈ ઇકબાલ ઉર્ફે રાજા મેવાતી તેમજ તેઓનો મિત્ર હુસેન ઉર્ફે તડી આવતા તેઓને છૂટા પડાવતા આ વખતે જાવેદ અને શાહબાજ તેમજ પરવેજ અને રાનુએ ફરિયાદી ઉપર પથ્થરો ફેંક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ફરિયાદીને ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મારામારીની ફરિયાદ દાખલ : આ મામલે સામે પક્ષે નોંધાયેલી ફરિયાદમાં જાવેદ હુસેન ઉર્ફે બોબી સૈયદએ ઈકબાલ મેવાતી, શાહ નવાજ મેવાતી, અહેમદ મેવાતી અને હુસેન સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તમામ આરોપીઓએ ભેગા મળીને પોતાની ખોટી વાતો કરે છે, તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પથ્થર માર્યા હોય હાલ તો વટવા પોલીસે આ ઘટનાને લઈને સામસામે મારામારીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.