અમદાવાદ : અમદાવાદમાં વાડજ પોલીસમાં એક કિન્નર દ્વારા અન્ય કિન્નર પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વિગતવાર વાત કરવામાં આવે તો સ્ટેશનની કામિની દે સોનિયા દે ઉર્ફે કેશવ પાંડે નામનો કિન્નર નવા વાડજ વિસ્તારમાં રહે છે. આરોપી કિન્નર અને ભોગ બનનાર કિન્નર વચ્ચે છેલ્લા ઘણા સમયથી યજમાનવૃત્તિને લઈને માથાકૂટ ચાલી રહી હતી. રવિવારે મોડી રાત્રે આરોપી કિન્નર ભોગ બનનાર કિન્નર દામીની દે પાવૈયા પર ખોટી ફરિયાદ કરવા વાડજ પોલીસ સ્ટેશન ગઈ હતી, જે અંગેની જાણ ભોગ બનનાર દામીની દે પાવૈયાને થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પોલીસની સામે જ છરીથી હુમલો : વાડજ પોલીસ સ્ટેશનમાં બંને કિન્નર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેવામાં આરોપી કામિની દેએ તેના પર્સમાંથી છરો કાઢી ભોગ બનનાર દામીની દેને હાથ અને હોઠના ભાગે હુમલો કર્યો હતો. પોલીસની હાજરીની વચ્ચે હુમલો કરનાર આરોપી કિન્નર કામિની દે સામે વાડજ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો Vadodara Crime : રાજકોટથી વડોદરા આવી કિન્નરના વેશમાં ઠગતો આરોપી ઝડપાયો, 15 ગુનામાં સંડોવણી
જેલમાંથી બહાર આવતાં જ ક્રાઇમ : આરોપી કિન્નર કામિની દે સોનિયા દે ઉર્ફે કેશવ પાંડેની ક્રાઈમ કુંડળી પર એક નજર કરીએ તો તેની સામે હત્યા, મારામારી, લૂંટ, હુમલા અને હત્યાના પ્રયાસના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી કામિની દેએ વર્ષ 2018માં એક કિન્નરની હત્યા કરી હતી અને જેમાં તે જેલમાં પણ ગઈ હતી. 18 એપ્રિલે આરોપી કામિની જેલની બહાર આવી અને એક અઠવાડિયા ફરી ક્રાઇમ કરવાનું શરૂ કરી દીધું હતું. ભોગ બનનાર કિન્નરના સમર્થનમાં મોટી સંખ્યામાં કિન્નરો પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને આરોપી કિન્નરને કડકમાં કડક સજા થાય તેવી રજીઆત કરી હતી.
કિન્નર સમાજેં ધરણાં કર્યાં : પોલીસે આરોપી કિન્નર સામે મારામારીની કલમો ગુનો નોંધાતા કિન્નર સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. મોટી સંખ્યામાં કિન્નર સમાજ વાડજ પોલીસ સ્ટેશન પહોંચી ધરણા પર બેઠા છે અને કિન્નર સમાજની એક જ માંગ છે કે પોલીસ હુમલો નહીં હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરે. જોકે વાડજ પોલીસે આ કેસમાં હત્યાના પ્રયાસની કલમો ઉમેરી કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી. જોષીએ જણાવ્યું હતું કે આ ઘટના બાબતે ગુનો દાખલ કરીને આરોપી કિન્નરની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.