અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે 11 મી ઓગસ્ટના રોજ આરીફ ખાન ઇબ્રાહીમખાન પઠાણ નામના ફતેવાડીના યુવકને પકડીને તેની પાસેથી એક પિસ્ટલ છ કારતુસ કબજે કર્યા હતા. જેને આ હથિયાર તથા કારતુસ દરિયાપુરના રફીક અહેમદ ઉર્ફે પંચોલી ઉર્ફે તીલ્લી શેખે આપેલા હોય, જેની વોચ ગોઠવી દરિયાપુર દરવાજા ખાતેથી તેને પણ પકડી પાડી તેની પાસેથી પણ ત્રણ પિસ્ટલ અને બે મેગેઝીન અને 6 કારતુસ સહિત એક લાખ 26 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
"ઉત્તર પ્રદેશના દિલદાર નામના આરોપીએ આ હથિયાર પકડાયેલા આરોપીને આપ્યા હોય જેમાંથી નવાબખાને 9 હથિયારમાંથી ચાર હથિયાર વેચાણ કરવા માટે આપ્યા હતા. જેના આધારે આ સમગ્ર રેકેટ ઝડપાયું છે. પકડાયેલા બંને આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. તે હથિયારો વેચવા માટે લાવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈને વેચ્યા ન હોવાનું સામે આવ્યું છે"-- એમ.એમ સોલંકી, (પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ)
હેરાફેરી કરવાનો: અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ અને રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ અમદાવાદમાં રહીને ગેરકાયદેસર રીતે હથિયારો હેરાફેરી કરવાનો હતો. છેલ્લા એકાદ વર્ષથી આ જ રીતે ઉત્તરપ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી 9 જેટલા હથિયારો અને 19 કારતુસ અને 2 મેગેઝીન કબ્જે કર્યા છે.
ઊંડાણપૂર્વક પૂછપરછ: પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ પકડાયેલ આરોપી આરીફ ખાન પઠાણની પાસેથી માત્ર 1 પિસ્તોલ અને 6 કારતુસ પકડાયેલા હતા. જે હથિયાર રફીકઅહેમદ ઉર્ફે તીલ્લી શેખ નામના વ્યક્તિએ તેમને આપેલું હતું. જોકે ગેરકાયદેસર હથિયાર વેચવાના કારોબારને ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લો પાડવા આરીફ ખાનની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા વધુ હથિયાર પકડવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપી રફીકઅહેમદ ઉર્ફે તીલ્લી મૂળ દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે જ્યારે અસલમખાન પઠાણ કાલુપુરનો રહેવાસી છે.
13 જેટલા કારતુસ: જેમની પાસેથી 5 પિસ્તોલ અને 1 દેશી તમંચો સહિત 13 જેટલા કારતુસ પણ મળી આવ્યા હતા. જોકે પોલીસ પકડથી બચી શકવા માટે બંને શખ્સો હથિયાર વહેંચી લઇ પોતાની રીતે એકાદ લાખ રૂપિયામાં વેચવાના હોવાની માહિતી પોલીસના મળી હતી. એટલું જ નહીં પકડાયેલ આરોપી રફીકઅહેમદ જ ઉર્ફે તીલ્લીને પણ આ હથિયાર અસલમખાન પઠાણે જ આપ્યું હતું. જે પૈકીનું એક હથિયાર આરીફ ખાન પઠાણને રાખવા માટે અસલમખાને આપેલું અને આ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા ઉત્તર પ્રદેશથી નવાબ પઠાણે પોતાના સાળા પાસેથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું.
ખૂનના ગુનામાં: પકડાયેલ આરોપી રફીક ઉર્ફે તીલ્લી અને અસલમખાન પઠાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રફીક વર્ષ 1999 માં હત્યાના ગુનામાં પકડાયો હતો, જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ લૂંટ અને ખૂનના ગુનામાં પણ અગાઉ પકડાઈ ચૂકેલો છે. જ્યારે અસલમ પઠાણ શાહપુર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયેલ આરોપી છે. ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવતા આ હથિયારના જથ્થા કેટલા સમયથી મંગાવવામાં આવતા હતા અને અગાઉ કોને કોને હથિયાર વેચવામાં આવે છે તે અંગે તપાસ શરૂ કરી છે.