અમદાવાદ: પોલીસની ઓળખ આપીને બળજબરીથી લોકો પાસે પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અગાઉ પણ લૂંટ તેમજ પોલીસની ઓળખ આપીને બળજબરીથી પૈસા પડાવી લેવાના ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું છે. થોડાક દિવસો પહેલા જ તેણે આ જ પ્રકારે નારોલ વિસ્તારમાં એક વ્યક્તિને રોકીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવ્યા હોય ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે કાર્યવાહી: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ઈમરાન ખાન ઉર્ફે જીંગા ઉર્ફે બકરા પઠાણ નામના રખિયાલના યુવકની કાંકરિયા વાણિજ્ય ભવન ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી રોકડ રૂપિયા 20,000 અને એક વાહન સહિત 70 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બળજબરીથી પડાવતો નાણાં: આરોપીની તપાસ કરતા 20 દિવસ પહેલા રાત્રેના સમયે નારોલ કોઝી હોટલ સામે તેની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો. ફરિયાદીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી પોતાની ગાડી પર બેસાડી દાણીલીમડા તરફ લઈ જઈ મની ટ્રાન્સફરની દુકાનમાં લઈ ગયો હતો અને બળજબરી હતી. તે વ્યક્તિના એકાઉન્ટમાંથી 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે મામલે નારોલ પોલીસમાં હતા કે ગુનો નોંધાયો હતો.
ગુનાહિત ઇતિહાસ: આ મામલે પકડાયેલો આરોપી અગાઉ નવરંગપુરા, કાગડાપીઠ, કૃષ્ણનગર, સોલા હાઇકોર્ટ, એલિસ બ્રિજ, મેઘાણીનગર, મણીનગર, આનંદ નગર, કાલુપુર સહિતના 13 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જેથી આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ લોકો પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.