- ક્રાઈમ બ્રાન્ચે તૈલી ગેંગના 4 શખ્સોની કરી ધરપકડ
- ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ 41 ગુના નોંધાયા
- ચોરી કરવા માટેના અનેક સાધનો પણ મળી આવ્યા
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે તૈલી ગેંગના 4 શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગના શખ્સો રસ્તા પર પૈસા નાખી, ઓઇલ ટપકતું હોવાનું કહીને કે, ગાડીના કાચ તોડીને ચોરી કરતા હતા. આ ગેંગના ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ 41 ગુના નોંધાયા છે.
આંતરરાજ્ય રાજ્ય તૈલી ગેંગ ઝડપાઈ
અમદાવાદ શહેર કેટલાંય દિવસથી ભીડભાડ વાળી જગ્યા પર ચોરીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે બાતમીના આધારે શહેરમાં નાની નાની ચોરીને અંજામ આપનાર તૈલી ગેંગના 4 શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ, લેપટોપ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ, દરવાજા તોડવાનું લોક, ડીસમિસ, ચપ્પુ, છરી વગેરે મળી આવ્યું હતું.
કેવી રીતે આપતા ચોરીને અંજામ
આરોપીઓએ અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર ચોરીને અંજામ આપેલા છે. જેમાં આરોપીઓ કારમાં સામાન હોય તો તેની રેકી કરતાં હતા. બાદમાં મોકો મળતાં કાચ તોડી દરવાજો ખોલીને ચોરીને અંજામ આપતા હતા. તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર 10-10ની નોટો રોડ ઉપર નાખી બિસ્કીટનો ઉપયોગ કરીને કોઈ માણસની નજર ચૂકવીને પર્સ કે બેગની ચોરી કરતા હતાં.
કઈ કઈ જગ્યા પર નોંધાયા છે ગુના
ગુજરાતના અમદાવાદ, પેટલાદ, ખંભળેજ, અડાલજ અને દેશના યુ.પી તથા અન્ય રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. આરોપીઓ મૂળ ગુજરાત બહારના છે અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.