અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે આ મામલે હંસરાજ પરમાર, વિશાલ વાઘેલા અને પ્રવીણ પરમાર નામના શખ્સોની ધરપકડ કરી છે. આરોપી હંસરાજ અને વિશાલ અમદાવાદના નરોડાના જ્યારે પ્રવીણ સરદાર નગર વિસ્તારમાં રહે છે. ડમી સિમકાર્ડ કૌભાડમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી હંસરાજ છેલ્લા આઠ વર્ષથી મોબાઇલ એસેસરીઝ અને મોબાઈલ રીપેરીંગ દુકાન ધરાવે ધંધો કરે છે. જ્યારે આરોપી વિશાલ અને પ્રવીણ છેલ્લા બે વર્ષથી સીમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતા હતા. વધુ પૈસા કમાવાની લાલચમાં આ ત્રણે આરોપીઓએ ડમી સીમકાર્ડ વેચી કાળાબજારી શરૂ કરી હતી.
ગુનામાં વપરાયેલ ચાર સીમકાર્ડ ડમી: થોડાક સમય પહેલા અમદાવાદના વાડજ વિસ્તારમાં આંગડિયાની લૂંટ થઈ હતી, જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ગુનામાં વપરાયેલ ચાર સીમકાર્ડ ડમી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે હંસરાજની દુકાનમાંથી સીમ એક્ટિવેટ થયું હોવાની માહિતી મળી હતી. આરોપી હંસરાજની સધન પૂછપરછમાં ડમી સીમકાર્ડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
500 રૂપિયામાં આ સીમકાર્ડ વેચતો: આરોપીઓની ગુનો આચરવાની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી હંસરાજ વિશાલ અને પ્રવીણ પાસેથી કોરા સીમ કાર્ડ લેતો હતો. હંસરાજની દુકાને જે પણ ગ્રાહક સીમકાર્ડ લેવા આવે તો ફિંગર પ્રિન્ટ ફેલ ગયું હોવાનું કહી બે વખત ફિંગર પ્રિન્ટ લઈને એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ એક્ટિવેટ કરતો હતો, જેમાંથી એક સીમકાર્ડ આરોપી હંસરાજ તેની પાસે રાખતો અને એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો. 10 થી વધુ ડમી સીમકાર્ડ ભેગા થઈ ગયા બાદ 500 રૂપિયામાં આ સીમકાર્ડ વિશાલ અને પ્રવીણને વેચતો હતો. જ્યારે વિશાલ અને પ્રવીણ 500 રૂપિયામાં લીધેલા આ સીમકાર્ડ 5,000 ની કિંમત સુધી લોકોને વેચતા હતા. અત્યાર સુધીમાં આ આરોપીઓએ અઢીસોથી વધુ ડમી સીમકાર્ડ વેચ્યા હોવાની કબુલાત કરી છે.
કઈ જગ્યાએ અને કોને કોને આપ્યા સીમ: હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સીમકાર્ડ કઈ જગ્યાએ અને કોને કોને આપ્યા છે અને આપેલા આ સીમ કાર્ડ ગેર પ્રવુતિમાં વપરાયા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે આ તમામ તથ્યો આરોપીઓના રિમાન્ડ બાદ જ સામે આવશે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં PI મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અંગે આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાતા આરોપીઓની તપાસમાં આ સમગ્ર બાબત સામે આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: