અમદાવાદ: શહેરનો પોશ વિસ્તારમાં ચોર ટોળકીની ટોપ લીસ્ટમાં હોય તેવુ લાગી રહ્યું છે. તાજેતરમાં જ સાયન્સ સિટી રોડ પરના સોલીટેર બંગલોમાં રૂપિયા 20.80 લાખની ચોરી થઇ હતી. જોકે, તેનો ભેદ હજુ ઉકેલાયો નથી. વધુ એક ચોરીની ઘટના બની છે. થલતેજમાં આવેલા કૃપામનન એપાર્ટમેન્ટમાં રહેતા એક સોની વેપારી દીકરીના સાસરે ગયા હતા. બંધ ઘરને ટાર્ગેટ કરી તસ્કરો રૂપિયા 21 લાખ રોકડા અને સોનાના 250 ગ્રામથી વધુના દાગીના તથા ચાંદીના દાગીના સહિત રૂપિયા 35.65 લાખની મતા ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે.
આવી હતી ઘટનાઃ હાલ તો બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. થલતેજ ભાઇકાકાનગરમાં આવેલા કૃપામનન એપાર્ટમેન્ટમાં 13 નંબરના મકાનમાં ચંદ્રકાંતભાઇ સોની રહે છે. ચંદ્રકાંતભાઇ થલતેજ ગામમાં જ ક્રિષ્ના એવન્યુ ફ્લેટના નીચેના ભાગે વાઘેશ્વરી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. બારેજા ખાતે સાસરે રહેતી દીકરી માધવીએ દીકરાને જન્મ આપ્યો હોવાથી પત્ની રીટાબેન બારેજા ગયા હતા. ચંદ્રકાંતભાઇએ રવિવાર હોવાથી દુકાન ખોલી ન હતી અને બપોરે ઘર બંધ કરી તેઓ પણ બારેજા દીકરીના સાસરે ગયા હતા. સોમવારે સવારે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના ઘરનો દરવાજો તેમજ લોખંડની જાળીના નકુચા તુટેલા હતા.
આ અંગે ગુનો દાખલ કરી હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આસપાસના CCTV ફુટેજના આધારે તપાસ ચાલુ છે.---એ.આર ધવન (બોડકદેવ પોલીસ સ્ટેશનના PI)
તિજોરીમાંથી ચોરીઃ જેથી તેઓએ બેડરૂમમાં જઇને જોયુ તો તમામ સામાન વેરવિખેર હાલતમાં હતો. ઘરમાં તપાસ કરી તો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થઇ હતી. તપાસ કરતા સામે આવ્યુ કે, ઘરમાંથી તસ્કરો 250 ગ્રામથી વધુના સોનાના દાગીના અને ચાંદીના સિક્કા તથા ગ્રાહકોના દાગીના ખરીદવા માટે જમા થયેલા 21 લાખ મળી કુલ 35.65 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ કરતા બોડકદેવ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.