અમદાવાદ : કેન્દ્ર સરકારના ફાયનાન્સ વિભાગમાં એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં (ED) માં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને છેતરપિંડી આચરનાર આરોપી મહાઠગ ઓમવીરસિંહની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને ઇસ્કોન ચાર રસ્તા પરની શિવાલિક બિલ્ડીંગમાંથી ઝડપી લીધો હતો. આરોપીએ મોજશોખ માટે બોગસ વીઝીટીંગ કાર્ડ બનાવી સેટેલાઈટમાં એક વેપારીને ટેન્ડરને લગતું કામકાજ કરાવી આપવાનો વિશ્વાસ આપી દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ ફરાર થઈ ગયો હતો. આ મામલે સેટેલાઈટ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા અનેક ખુલાસા થયા છે.
આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની ધરપકડ કરાઈ છે. તેણે આ પ્રકારે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે. આરોપી સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેણે મોજશોખ માટે આ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે...કે. વાય. વ્યાસ, (પીઆઈ, સેટેલાઈટ પોલીસ સ્ટેશન)
મોજશોખ કરવા આડે રસ્તે ચડ્યો યુવક : અમદાવાદ પોલીસે આ મામલે પોલીસે ઓમવીરસિંહ નામનાં હરિદ્વાર ઉત્તરાખંડના યુવકની ધરપકડ કરી છે. આરોપીને મોજશોખ કરવા હોય પૈસાની જરૂર હોવાથી આ રીતે પોતાના ખોટી ઓળખ ઉભી કરવાનો વિચાર આવ્યો અને તેણે આ પ્રકારે ખોટુ વિઝિટીંગ કાર્ડ બનાવી પૈસા પડાવી લીધા હતા. આરોપીએ પૈસા પડાવ્યા બાદ મુંબઈમાં મોજશોખમાં ખર્ચ કર્યા હતા. યુવતીઓ અને નશાના શોખીન આરોપીએ દોઢ કરોડમાંથી લાખો રૂપિયા મુંબઈમાં ઉડાડી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તે પોતે બી.એ ગ્રેજ્યુએટ છે અને ખેડુત પરિવારમાંથી આવે છે. આરોપીની વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.
મામલો શું હતો : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ઝરણાબેન ઠાકર સેટેલાઈટમાં નવગ્રહ મંડળની ઓફિસમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓની ઓફિસના માલિક ડોક્ટર રવિ રાવ છે. તેઓની ઓફિસમાં એસ્ટ્રોલોજી અને પૂજા વિધિ કરાવવાનું કામકાજ કરવામાં આવે છે. ફરિયાદીના માલિક ડૉ. રવિ રાવનું આંબલી-બોપલ રોડ ઉપર આવેલું મકાન ભાડે આપવાનું હતું. જેને લઇને એજન્ટ દ્વારા ઓમવીરસિંહ તેમના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે ઓમવીરસિંહે પોતે ઈડી ડાયરેક્ટર હોવાનું જણાવી પોતાનું વિઝિટીંગ કાર્ડ આપ્યું હતું. આ કાર્ડમાં ઓમવીરસિંહે IRS એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, હેડ ઓફિસ દિલ્હી તેમજ ઝોનલ ઓફિસ ન્યુ દિલ્હીનું સરનામું અને મોબાઈલ નંબર લખ્યો હતો.
દોઢ કરોડ રુપિયા લઇ લીધાં : આ બાબતોથી પ્રભાવિત થયેલા રવિ રાયને ઝાંસામાં લેતાં ઓમવીરસિંહે પોતાની મોટી મોટી ઓળખાણો છે તેથી કામકાજ કરાવવા હોય તો જણાવવા કહ્યું હતું. જેને લઇને રવિ રાયે તેમના કલાયન્ટ પ્રદીપ ઝાનું ટેન્ડરનું કામ કરાવી આપવા વાતચીત કરી હતી. જે માટે ઓમવીરસિંહે દોઢ કરોડ રુપિયા માગ્યાં હતાં.
રુપિયા લઇ ફરાર થતાં ફરિયાદ નોંધાવાઇ : દોઢ કરોડ રુપિયા પ્રદીપ ઝાએ ડૉ. રવિ રાવના ભરોસે ઓમવીરસિંહને આપ્યા હતાં. જે બાદ નિયત સમયમાં ટેન્ડરનું કામ થયું ન હતું અને પૂછવામાં આવતાં ઓમવીરસિંહ વાયદાઓ કરતો રહ્યો હતો અને અંતે ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેને પગલે સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે તપાસ કામગીરી કરતાં પોલીસે આ કેસમાં સામેલ આરોપીની ધરપકડ કરી છે.