અમદાવાદ : અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે અન્ય સમુદાયના યુવકે અપહરણ કરીને છેડતી કરી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી સગીરાનું અપહરણ કરી સરખેજ વિસ્તારમાં ફર્યો હતો અને બાદમાં એક ગાર્ડનમાં લઇ જઇ તેને શારીરિક અડપલાં કર્યા હતા. બાદમાં બીજે દિવસે તેના ઘરે લઇ ગયો હતો પણ તેના મિત્રએ ત્યાં રોકાવાની મનાઇ કરતા તે સગીરાને લઇને ફર્યો હતો અને ત્રીજે દિવસે સગીરાને તેની નાનીના ઘરે મૂકી આવ્યો હતો. જે બાબતે સગીરાની માતાએ ફરિયાદ આપતા સરખેજ પોલીસે અન્ય સમુદાયના યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી હોટલમાં મજૂરી કરે છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે...વી.જે. ચાવડા(પીઆઈ, સરખેજ પોલીસ સ્ટેશન)
9 તારીખે ગુમ થઇ હતી સગીરા : મકરબામાં રહેતી 35 વર્ષીય મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 9મી એના રોજ તેનો પુત્ર અને 14 વર્ષની પુત્રી પણ સાથે હતાં. થોડી વાર પછી સગીર પુત્રી ન દેખાતા નાસીર નામનો છોકરો ઇશારો કરી તેને લઇ ગયો હોવાનું પુત્રએ જણાવ્યું હતું. નાસીર આ સગીરાને મોટા રોજા તરફ લઇ ગયો હોવાનું જણાવતા મહિલાએ પુત્રીની શોધખોળ શરૂ કરી હતી પણ તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો.
શારિરીક અડપલાં કર્યા : બે દિવસ બાદ 11મીએ સગીરાની માતાએ તેની બહેનને ફોન કરીને પૂછતા સગીરા તેની નાનીના ઘરે ગુલબાઇ ટેકરા ખાતે હોવાની જાણ થતાં મહિલા ત્યાં પહોંચી હતી. તેણે સગીરાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે નાસીર તેને સરખેજ રોજા પાસે ગાર્ડનમાં લઇ ગયો હતો. ત્યાં બંને બેઠા હતા ત્યારે આરોપીએ તેને શારીરિક અડપલાં કર્યા હતાં. બાદમાં એસજી હાઇવે તરફ લઇ ગયો હતો અને આખી રાત બંને ફર્યા હતાં. તા.10મીએ નાસીર ઉર્ફે નસરે તેના ઘરે લઇ ગયો પણ ત્યાં તેના મિત્રએ રોકાવાની ના પાડતા બંને એક કબ્રસ્તાન ખાતે ત્રણેક કલાક બેસી રહ્યા હતાં.
નાનીના ઘેર મૂકી ગયો આરોપી : ત્રીજે દિવસે એટલે કે તા.11મીએ સવારે નાસીર સગીરાને ગુલબાઇ ટેકરા ખાતે સગીરાને તેના નાનીના ઘરે મૂકી ગયો હતો. જેથી સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ આપતા સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલાએ અગાઉ પણ વાસણા પાસે સગીરા અને નાસીરને રીક્ષામાં પકડ્યા હતાં અને ઠપકો આપ્યો હતો.