અમદાવાદ : શહેરમાં વિધવા મહિલા સાથે એક બંટી બબલીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા મિતલ પટેલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી ચાંદલોડિયા ખાતે રહે છે અને એક ડાન્સ એકેડમી ચલાવે છે. મિત્તલ બેનના પતિ અમિત પટેલનું અસાધ્ય રોગના કારણે ઓક્ટોબર 2017માં અવસાન થયું હતું. અવસાન બાદ તેમના નામે વીમા પોલિસીના 59 લાખ રૂપિયા આવ્યા હતા. જે રૂપિયા નોમીની તરીકે ફરિયાદી હોવાથી તેઓને મળ્યા હતા.
આ પણ વાંચો : Vadodara Crime : એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરી, પોલીસે ઝડપી યુપીની ઠગટોળકી
શું હતો સમગ્ર મામલો : પતિના અવસાન બાદ ફરિયાદી થોડોક સમય માતા-પિતાના ઘરે રહ્યા હતા. તે વખતે ચાંદખેડામાં રહેતા વિજય આનંદકુમાર રાઠોડ તેમજ તેની પત્ની હીના પરમાર અવારનવાર ફરિયાદીના માતા-પિતાના ઘરે મળવા આવતા હતા. જેના કારણે તેઓ વચ્ચે પરિચય થયો હતો. જે દરમિયાન ફરિયાદીએ એક વખતે વિજય રાઠોડ અને તેની પત્ની હીરા પરમારને પતિના અવસાનથી વીમા પોલિસીના 59 લાખ રૂપિયા આવવાના છે. તે રૂપિયાનું સારી રીતે રોકાણ કરવાનું હોવાનું કહ્યું હતું. વિજય રાઠોડએ કોટેક મહેન્દ્રા બેંકમાં નોકરી કરતો હોવાનું કહીને રૂપિયાનું સારી રીતે રોકાણ કરાવી અને સારો નફો કરાવી આપીશ. તે પ્રકારની વાત કરી હતી.
ફરિયાદીએ વિશ્વાસ રાખ્યો હતો : ફરિયાદી મહિલા તેઓના વિશ્વાસમાં આવી જતા તેઓએ પહેલા 20 લાખ રૂપિયા ચેકથી તેમજ અન્ય રકમ રોકડા આપી હતી. વિજય રાઠોડે ફરિયાદીને ચાંદખેડામાં પરમેશ્વર 5 ફ્લેટની લોન ભરવાની બાકી છે. તે લોન ભરીને ફરિયાદી પાસેથી લીધેલા રૂપિયા દર મહિને ટુકડે ટુકડે કરીને નફા સહીત પરત આપી દઈશ તેવું જણાવતા ફરિયાદીએ વિશ્વાસ રાખ્યો હતો. પ્રોમિસરી નોટ પણ કરાવી હતી.
ધંધો કરવા માટે ફરિયાદી પાસે રુપિયા માગ્યા : જે બાદ માર્ચ 2018માં વિજય રાઠોડે ધંધો કરવા માટે ફરિયાદી પાસેથી 13 લાખ માંગ્યા હતા. જે પૈસા મહિલાએ પોતાના ખાતામાંથી ઉપાડીને આપ્યા હતા. ફરિયાદીના કોટક મહિન્દ્રા બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી પણ આરોપી પૈસા વાપરતો હતો. વિજય રાઠોડ તેમજ તેની પત્ની હીના પરમારે ફરિયાદીનું 12 તોલા સોનું જેમાં 33 તોલાનો સેટ, બે તોલાનો સોનાનો દોરો, ત્રણ તોલાનો પોચો અને ચાર તોલાની બંગડી તેના બદલે ભવિષ્યમાં સોનાની બંગડી લઈશું, તેવો ભરોસો આપીને લઈ લીધું હતું.
આ પણ વાંચો : Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી
ફરિયાદીના ભાઈ પણ છેતરી ગયો : જે સિવાય ફરિયાદીની દીકરીના લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના રૂપિયા 1 લાખ 88 હજાર ભરવા માટે આપ્યા હતા. તે પણ પોતાના અંગત ખર્ચમાં વાપરી દીધા હતા. ફરિયાદીના ભાઈ હિતેશ પ્રજાપતિના ક્રેડિટ કાર્ડ ચાલુ કરી આપવાના બહાને તેની પાસેથી તેમજ અલગ અલગ ક્રેડિટ મેળવી તે કાર્ડમાંથી આશરે ત્રણ લાખ રૂપિયા વાપરીને ક્રેડિટ કાર્ડનું બિલ પણ ભર્યું ન હતું. અંતે બંને પતિ પત્ની જે બાદ પોતાના ઘરેથી ભાગી ગયા હતા.
28 લાખ 97 હજાર ચુકવણી બાકી : આ પ્રકારે વિજય રાઠોડ અને તેની પત્ની હીના પરમારે વર્ષ 2018થી 2022 સુધીમાં ઓનલાઇન તેમજ રોકડા અંદાજે 60 લાખ 77 હજાર લીધા હતા. તેની સામે 57 લાખ 47 હજાર પરત કર્યા, તેમાંથી 3 લાખ 29 હજાર બાકી તેમજ ધંધા માટે લીધેલા 13 લાખ અને અન્ય દાગીના તેમજ ક્રેડિટ કાર્ડનું બિલ તેમજ અલગ અલગ વસ્તુઓ મળીને અંદાજે 28 લાખ 97 હજારથી વધુ રૂપિયા ન ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી. તેથી આ સમગ્ર મામલે પતિ પત્ની સામે સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના PI જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું કે, આ અંગે ગુના દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.