કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરૂધ 748 કરોડ રૂપિયાના બદનકક્ષી કેસમાં જો તેમની વિરૂધ કોર્ટ દ્વારા નોટીસ કાઢવામાં આવે, તો રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને આગામી દિવસોમાં ઘી-કાંટા મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ થવું પડી શકે છે. કોર્ટમાં દાખલ કરાયેલા બદનક્ષી કેસ મામલે બધા સાક્ષીઓના નિવેદન પણ લેવાઈ ગયા છે, જો રાહુલ ગાંધી વિરૂધ કોર્ટ નોટીસ કાઢે તો લોકસભાના વ્યસ્ત કાર્યક્રમમાંથી રાહુલને અહીં હાજરી આપવી પડી શકેે છે.
અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીઓએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ ADC બેંકમાં ખાતું ધરાવતા હતા. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા સુરજેવાલાએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં બંનેએ ADC બેંકને કૌભાંડી ગણાવી હતી. આ વાંચીને અમે અમારું ખાતું ત્યાંથી બંધ કરાવી અન્ય બેંકમાં નવું ખાતું ખોલાવ્યું હતું. આ અંગેના સમાચાર ટીવી પર જોયા હોવાનું પણ સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું હતું.
ADCના ચેરમેન અજય પટેલે વિવાદાસ્પદ નિવેદન બદલ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પર 748 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો અમદાવાદ મેટ્રો કોર્ટમાં દાખલ કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં ADC બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં જુબાની આપતા કહ્યું કે, નોટબંધી બાદ રાહુલ અને રણદીપ સુરજેવાલાએ ADC બેંક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડની નોટો બદલવાનો આક્ષેપ કર્યો હતો, જેનાથી તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો છે.