અમદાવાદ : એક બાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. જેમાં સૌથી વધુ બજેટ રોડના કામકાજમાં વાપરવામાં આવે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરના રોડની હાલત ખૂબ જ બિસ્માર જોવા મળતી હોય છે. ચોમાસામાં મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી જતા હોય છે. આ વર્ષે પણ રસ્તાઓની હાલતમાં કોઈપણ પ્રકારનો સુધારો થયો નથી. કોર્પોરેશનના સત્તાધિશો નવા રોડ તૂટ્યા નથી તેવા દાવાઓ કરી રહ્યા છે.
અમદાવાદ શહેર કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરોને હોટમિક્સ મશીન દ્વારા સમારકામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ મશીનનો આજ રાતથી જ ઉપયોગ કરવામાં આવશે. આગામી સમયમાં વરસાદ ન પડે ત્યાં સુધી તમામ રોડ પેચવર્ક કામ કરવામાં આવશે. સારી વાત એ છે કે આ વર્ષે એક પણ તૈયાર કરેલા નવો રોડ તૂટ્યો નથી. - મહાદેવ દેસાઈ (રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન)
ચેરમેન ભુવાનું કારણ આપ્યું : અમદાવાદ શહેરમાં માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ દરેક ઋતુની અંદર ભુવા પડવાની સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે ચેરમેન શહેરમાં ભુવા પડવાનો કારણ જણાવ્યું હતું કે, વર્ષો જૂની ગટર લાઈન હોવાને કારણે લાગી જાય છે અને પાણીમાં ગેસ થવાને કારણે ભારે વાહન ત્યાંથી પસાર થાય છે અને ભુવા પડવાની સમસ્યાઓ સામે આવતી હોય છે, પરંતુ હાલમાં કોર્પોરેશન દ્વારા જ્યાં પણ ભુવો પડવાની શક્યતા જોવાતી હોય છે, ત્યાં તાત્કાલિક બેરીકેટ લગાવવામાં આવી રહ્યા છે. તે પણ કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
ખાડા અને રોડ તૂટવા મુદ્દે ચુપી : જ્યારે જોડે બિલ્ડીંગ કમિટીના ચેરમેનને ખાડા મુદ્દે અને રોડ તૂટવા મુદ્દે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ચુપી રાખી હતી. એક બાજુ ચેરમેન નવા રોડ તૂટ્યા નથી તેની વાહવાહી કરી તો રહ્યા છે, પરંતુ જે જુના રોડ તૂટી ગયા છે. તેના મુદ્દે બોલવામાં અસમજાતાં દાખવી રહ્યા છે. શહેરમાં નારણપુરામાં આવેલા ભીમજીપુરા ચાર રસ્તા પાસે ખૂબ જ ખરાબ હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદ શહેરના એક પોશ વિસ્તાર ગણાતો ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુરથી ચેનપુર ફાટક તરફ જવાનો રોડ બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત અમદાવાદ કર્ણાવતી કલબની સામે પણ છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેની બાજુમાંથી પસાર થતો રોડ પર ગટર લાઈનની કામગીરી પૂર્ણ થઈ પણ 20 દિવસ થવા આવ્યા પરંતુ હાલમાં તેની પર રોડની કામગીરી કરવામાં આવી રહી નથી.