અમદાવાદ: બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી રાજસ્થાનથી કામ હેતુ અમદાવાદ આવી હતી. યુવતી જ્યારે પોતાના ભાઈ સાથે કડિયા નાકા ખાતે મજૂરી કામ હેતુ ઉભી હતી. ત્યારે એમ એસ પરમાર નામનો કોન્ટ્રાક્ટર તેને શુકન રેસિડેન્સી તરફ લઈ ગયો હતો. ત્યાં એક સોસાયટીના બાથરૂમ પાસે એકલતાનો લાભ લઇ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ બનાવને લઈને યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ કરી છે.
મજૂરી કામ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાનની રહેવાસી યુવતી BSC માં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તે અમદાવાદમાં વતનથી મજૂરી કામ કરવા માટે આવી હતી. સોમવારે સવારના સમયે યુવતી તેના ભાઈ સાથે કડિયા નાકા ખાતે મજૂરી કામ માટે ઉભી હતી. તે દરમિયાન ઉમેશ પરમાર નામનો કોન્ટ્રાક્ટર તેઓને લેવા માટે આવ્યો હતો. જેથી યુવતી તેના ભાઈ સાથે ન્યુ સીજી રોડ પર આવેલી શુકન રેજિડેન્સી ખાતે ગઈ હતી. ત્યાં પાણીની ટાંકીના પાઇપનું કામ ચાલતું હોય ત્યાં મજૂરી કામ કરી રહી હતી.
જાનથી મારી નાખીશ: બપોરના 2:00 વાગ્યા આસપાસ કોન્ટ્રાક્ટર ઉમેશ પરમાર યુવતી પાસે આવ્યો હતો અને તેને સિમેન્ટ લેવા જવાનું છે. તેવું કહીને સોસાયટીના બગીચા પાસેના બાથરૂમ પાસે લઈ ગયો હતો. તે સમયે ઉમેશ પરમારે યુવતીની એકલતાનો લાભ લઈ તેનો હાથ પકડી ખેંચીને જબરદસ્તી બાથરૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો. યુવતીના શરીર ઉપર અડપલા કરી તેને ચુંબન કરી તેના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ બુમાબુમ કરતા ઉમેશ પરમારે તેને " હું કહું તેમ કર નહીં તો જાનથી મારી નાખીશ" તે પ્રકારની ધમકી આપી હતી.
ધરપકડની પ્રક્રિયા હાથ ધરી: જોકે તે સમયે યુવતીનો ભાઈ ત્યાં આવી ગયો હતો. દરવાજો ખખડાવતા ઉમેશ પરમારે દરવાજો ખોલીને યુવતીના ભાઈને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ યુવતીને તેના ભાઈએ આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. અંતે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ઉમેશ પરમાર નામના યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એસ વણઝારાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ટિમો કામે લગાડી છે.