અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ દ્વારા આજે 'હાથ સે હાથ જોડો પદયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કૉંગ્રેસના અનેક નેતાઓ જોડાયા હતા. તે દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે સરકારને આડેહાથ લીધી હતી. તેમણે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષના શાસનમાં ગુજરાતમાં સરકારી ભરતીના 40થી વધુ પેપરો લીક થયા છે. આ પેપર ફૂટતા નથી પણ ભાજપની સરકાર RSSની ભરતી કરવા પેપર લીક કરે છે તેવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
આ પણ વાંચો Gujarat Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીકને લઈને AAPનું વિરોધ પ્રદર્શન, રાજકારણ ગરમાયું
ગાંધી આશ્રમથી કૉંગ્રેસ ભવન સુધી પદયાત્રાઃ થોડા દિવસ પહેલા જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. આના કારણે ગુજરાતના અનેક યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે કૉંગ્રેસ દ્વારા આજ (મંગળવારે) સવારે ગાંધી આશ્રમથી પાલડી કૉંગ્રેસ ઓફિસ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, કૉંગી નેતા સિદ્ધાર્થ પટેલ, સી.જે. ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા હતા.
પેપર ફૂટવાની ઘટનાને લઈને પદયાત્રાઃ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, કૉંગ્રેસ હંમેશા જનતાની પક્ષમાં જ બેઠી છે અને જનતા માટે લડવા તૈયાર જ છે. તે અંતર્ગત આજે હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા મહાત્મા ગાંધીજીના આશ્રમથી કૉંગ્રેસ પક્ષના કાર્યાલય સુધી અંદાજિત 6 કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું.
RSSની ભરતી કરવા પેપર લીકઃ વધુમાં તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષના શાસનમાં ગુજરાતમાં સરકારી ભરતીના 40થી વધુ પેપરો લીક થયા છે. આ પેપર ફૂટતા નથી પણ ભાજપની સરકાર RSSની ભરતી કરવા માટે પેપર લીક કરે છે. ભાજપ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે, સરકારમાં ખાલી પડી રહેલી 6 લાખ ભરતી ભરાય નહીં અને માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ ચાલે અને RSSના લોકોને કોન્ટ્રાક્ટ મળે તે હેતુ છે.
RSS જોડાય તે જ ઉદ્દેશઃ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આક્ષેપ કર્યા હતા કે, ભાજપ સરકારી એવું જ ઈચ્છતી રહી છે કે, સરકારી પદ્ધતિમાં માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી RSSમાં લોકો જ સરકારીમાં જોડાય આ ઉદ્દેશ માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભાજપનો રહ્યો છે. રાજ્યોનો યુવાન સરકારી ભરતીના પેપર કૌભાંડથી આક્રોશમાં છે. પોતાનો આક્રોશ વ્યક્ત કરવા ગાંધીનગરમાં પ્રવેશવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. કૉંગ્રેસ આ યુવાનોનો અવાજ બનવા માગે છે, પરંતુ કૉંગ્રેસને પણ મંજૂરી આપવામાં આવતી નથી.
આ પણ વાંચો Junior Clerk Exam: એપ્રિલમાં યોજાઈ શકે છે પરીક્ષા, IPS હસમુખ પટેલ બનાવશે રણનીતિ
પરીક્ષા લઈ શકે તેવો કોઈ અધિકારી નહીંઃ ગુજરાતમાં હિટલર શાહી અને તાનાશાહી ભાજપ સરકાર ચલાવી રહે છે. આ પેપર ફૂટવાના મુદ્દે પંચાયત વિભાગમાં આવી પરીક્ષા લઈ શકે તેવો અધિકારી પણ નથી. આવી પરીક્ષાઓ લેવા હવે ભાજપ સરકારને IPS ઓફિસરની મદદ લેવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. ભૂતકાળમાં પણ પરીક્ષા લેવા IPS ઓફિસરને મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમને સુવિધાઓ આપવામાં આવી નહતી. ત્યારે આજે પણ હવે પંચાયત વિભાગની પરીક્ષા માટે IPS ઓફિસરને મૂકવાની ફરજ પડી રહી છે. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાનુ સત્ર મળી રહ્યું છે. યુવાનોને પોતાની રજૂઆત કરવા ગાંધીનગર આવવાની છૂટ આપવામાં આવે તેવી માગ કરી છે.