અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 25 થી વધુ વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા 10,000 રૂપિયાના ઇનામી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સુખલાલ ઉર્ગે શકાજી ડાંગી નામના રાજસ્થાનના ઉદયપુરના આરોપીની ધરપકડ કરી છે.
25 ગુનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો: આરોપીની પૂછપરછમાં આરોપી તેમજ તેના સાળા ભરત ઉર્ફે ભૂરા ડાંગી સાથે મળીને વર્ષ 2010 થી રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવી વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતો હોવાનું અને તેની વિરુદ્ધમાં 30થી વધુને લગતા ગુના નોંધાયેલા હોવાનું જણાવ્યું હતું. જેમાં 25 થી વધુ ગુનામાં તે વોન્ટેડ હતો.
ગુનાહિત ઇતિહાસ: વધુમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શામળાજી ખાતે વિદેશી દારૂનો કેસ કર્યો હતો, જેમાં અંબર હોટલના માલિક દ્વારા બાતમી આપવામાં આવી હોવાની અદાવત રાખી આરોપીએ અંબર હોટલ ખાતે ફાયરીંગ કરાવ્યું હતું, જે ફાયરિંગના ગુનામાં પણ તે વોન્ટેડ હતો. પકડાયેલો આરોપી ઘણા વર્ષોથી ઇંગ્લિશ દારૂના કેસોના જથ્થો પૂરો પાડનાર તરીકે સંડોવાયેલો હોય અને મળી આવતો ન હોય આરોપીની ધરપકડ કરવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ શહેર તેમજ સાબરકાંઠા અને અમદાવાદ ગ્રામ્યના કુલ 25 જેટલા અલગ અલગ ગુના આરોપીએ આચર્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી સુખલાલ ઉર્ફે શકાજી ડાંગી અગાઉ 6 જેટલા ઇંગ્લીશ દારૂના ગુનામાં પણ પકડાયેલો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે.