અમદાવાદ: શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આંબાવાડીની હોલિડે ટ્રીપના સંચાલક સહિત ત્રણ લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ સાતથી વધુ લોકો પાસેથી 24 લાખથી વધુની રકમ મેળવી તેઓને ટુર પેકેજ, એર ટિકીટ, હોટલ બુકિંગ ન કરી આપી નાણાં પરત ન કરી ધમકીઓ આપી હતી. આટલું જ નહિ કેટલાક લોકોને નાણાં કન્વર્ટ કરી આપવાની પણ લાલચ આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેને લઇને હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હોલીડે ટ્રીપ નામથી અલગ અલગ ટુરની જાહેરાતો: અમદાવાદનાં મેમનગરમાં આશીષભાઇ રાવલ કેમિકલનો વેપાર કરે છે. થોડા સમય પહેલા તેઓએ છાપામાં હોલીડે ટ્રીપ નામથી અલગ અલગ ટુરની જાહેરાતો જોઇ હતી. જેથી તેઓને પરિવાર સાથે સિંગાપુર, મલેશિયા જવાનું હોવાથી તેઓએ આ ટુર ઓફિસની મુલાકાત લીધી હતી. ત્યાં છ સભ્યોની ટ્રીપના 5.16 લાખ નક્કી કર્યા હતા. ત્યારબાદ તેઓએ ટુકડે ટુકડે નાણા આપતા ઓફિસ સંચાલક ભુપેશ ઉર્ફે ભાવેશ ઠક્કરે અલગ અલગ હોટલના બુકિંગ વાઉચર આપ્યા હતા. જેની ખરાઇ કરતા આવુ કોઇ બુકિંગ ન થયુ હોવાનું જણાતા તેઓએ નાણા પરત માંગ્યા હતા. જો કે સંચાલકોએ નાણા નહિ આપવાનું કહી ધમકીઓ આપી હતી.
સાતથી વધુ લોકો સાથે સંચાલકોએ છેતરપિંડી આચરી: આટલું જ નહિ માત્ર આશિષભાઇ જ નહિ પણ આશરે સાતથી વધુ લોકો સાથે સંચાલકોએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે ભુપેશ ઉર્ફે ભાવેશ ઠક્કર, નિલમ શર્મા અને વંદના શર્મા નામના ત્રણ આરોપીઓ સામે 24.54 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ નિલમ શર્મા અને વંદના શર્મા નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીને પકડવા ટીમો કામે લગાડી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે જાડેજાએ etv ભારત સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ નોંધાતા જ બે મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી છે. હાલ આ મામલે મુખ્ય આરોપી ફરાર હોય તેના ઝડપાયા બાદ જ અન્ય ભોગ બનનાર છે કે કેમ તે અંગે ખુલાસા થશે.