અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી કિલ્પાબેન પંચાલ નામની યુવતીએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, વર્ષ 2016માં તે અમદાવાદના નરોડામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર નોકરી કરતા હોય તે સમયે ત્યાં પ્રેક્ટીકલ માટે દહેગામ ખાતે આવેલી શ્રીજી પેરા મેડિકલ કોલેજમાંથી વિદ્યાર્થીઓ અને કોલેજના ડાયરેક્ટર રાકેશ પટેલ પણ આવતા હતા. ફરિયાદીને સરકારી નોકરી માટે નર્સિંગનો કોર્સ કરવાનો હોય રાકેશ પટેલને વાત કરતા તેણે પોતાની દહેગામની શ્રીજી પેરા મેડિકલ કોલેજમાં એડમિશન આપવાની વાત કરી અને બેંગ્લોર ખાતેની નર્સિંગ કોર્સની પરીક્ષા આપવાનું જણાવી સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો હતો.
એડમિશનનું એક આઈ કાર્ડ પણ આપ્યું: જે બાદ રાકેશ પટેલે ફરિયાદી યુવતીને પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે વસ્ત્રાલ ખાતેની સરદાર વોકેશનલ એજ્યુકેશનની ઓફિસે બોલાવી ફોટો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ ધોરણ 12ની માર્કશીટ સહિતના દસ્તાવેજો લીધા હતા અને કોલેજમાં એડમિશનનું એક આઈ કાર્ડ પણ આપ્યું હતું. નર્સિંગમાં પહેલા વર્ષની પરીક્ષા આવતા યુવતીએ નોકરીમાંથી રજા માંગતા રજા ન મળતા આ બાબતે રાકેશ પટેલને વાત કરી હતી. તેણે સાડા 3 લાખની ઉપર થોડો વધુ ખર્ચ થશે અને ઘરે બેઠા પરીક્ષા આપી શકશે તે વાત કરીને પરીક્ષા અપાવી હતી.
પાંચ લાખ રૂપિયા ટુકડે ટુકડે: ફરિયાદીએ વસ્ત્રાલ ખાતેની સરદાર વૉકેશનલ એજ્યુકેશનની ઓફિસે જઈને આશરે પાંચ લાખ રૂપિયા ટુકડે ટુકડે નર્સિંગના કોર્સ ના આપ્યા હતા. નર્સિંગ માટેનું જી.એમ.સી રજીસ્ટ્રેશન કરાવવાનું હોવાથી યુવતીએ રાકેશ પટેલને વાત કરતા તેણે યુવતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકટીવાને નુકસાન કર્યું હતું. જે મામલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતા રાકેશ પટેલે તેના ઓળખીતા કપડવંજના નર્સિંગ કોલેજના સંચાલક નયન ભાઈ પાસેથી સર્ટિફિકેટ મોકલાવ્યા હતા, જે ડોક્યુમેન્ટ બોગસ હોવાનું યુવતીને ધ્યાને આવ્યું હતું. જેથી રાકેશ પટેલે ફરિયાદીને વિશ્વાસમાં લઈને નર્સિંગનો કોર્સ કરાવી તેના સર્ટિફિકેટ આપવાની હકીકતો જણાવી ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટર બનાવીને આપ્યા હોય તે બાબતે અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરી તપાસ કરતા એક બાદ એક આ કેસમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.
BAMS ડોક્ટરની પણ ધરપકડ: આ સમગ્ર કેસમાં શહેર એસઓજી ક્રાઇમે રાકેશ પટેલ તેમજ તેની સાથે મૌલિક રામી નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ વધુ તપાસ કરતા પાટણમાંથી મિહિરસિંહ જાડેજા નામના એક BAMS ડોક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. પાટણના શંખેશ્વરમાંથી ઝડપાયેલા ડોક્ટર દ્વારા આરોપીને અલગ અલગ ગ્રાહકો કે જેઓ નર્સિંગ કરવા માંગતા હોય તેવા ગ્રાહકો શોધી લાવી આપી તેમાંથી કમિશન મેળવતો હતો. આરોપીઓની વધુ તપાસ કરતાં તેઓની પાસેથી 60 જેટલા બોગસ માર્કશીટ સર્ટિફિકેટ મળી આવ્યા છે, જેમાં બિહારની સંસ્કૃત યુનિવર્સિટી, હિન્દી યુનિવર્સિટી, અને કર્ણાટકની ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેટ કબજે કરવામાં આવ્યા છે. આ કેસમાં હજુ પણ અનેક આરોપીઓ પકડવાના બાકી હોય જેમાં મુખ્યત્વે અમદાવાદ અને કર્ણાટકનો આરોપી સામેલ હોય તેને પકડવા માટેની તજવીજ પોલીસે શરૂ કરી છે.
એક બાદ એક મોટા ખુલાસા: નર્સિંગ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનોને વાતોમાં ફસાવી તેઓની પાસેથી લાખો રૂપિયા પડાવી લઈને નકલી અને બોગસ સર્ટિફિકેટ માર્કશીટ પધરાવનાર આ ગેંગની તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપીઓએ 300 કરતાં પણ વધુ બોગસ નર્સિંગ સર્ટિફિકેટ આપ્યા હોય જેથી આવનારા દિવસોમાં જે પણ લોકોને આરોપીઓએ બોગસ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપ્યા છે, તેઓની પણ તપાસ કરવામાં આવશે અને જરૂર લાગે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.
અનેક રાજ્યોમાં તપાસ શરૂ: મહત્વનું છે કે આ સમગ્ર કેસના તાર અમદાવાદ - પાટણ સહિત અલગ અલગ શહેરોમાં અને ગુજરાત સીવાય બિહાર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં જોડાયેલા હોય એસઓજીએ અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં આ કેસને લાગતા વળગતા લોકોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે શહેર એસોજી ક્રાઈમના એસીપી બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે આ સમગ્ર રેકેટ મોટા પાયે ચલાવવામાં આવતું હોય આરોપીઓની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં જે પણ આરોપીઓ સામે હશે તેઓની સામે પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાશે.