અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા ગુમ થયેલી યુવતીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફિલ્મી થ્રીલ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટનાને આકાર આપવામાં આવ્યો છે. પરિણીત પ્રેમી ભુવાજીએ પ્રેમિકાથી છુટકારો મેળવવા અને પોલીસ કેસમાં ન ફસાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેમાં તેઓ સફળ પણ રહ્યો હતો, જોકે એક વર્ષ બાદ આરોપીઓ દ્વારા કરાયેલો પાપ પોકારી ઉઠતા અંગે તેઓની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુમ થયેલી મહિલાઓ શોધવાની ડ્રાઈવ : હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓ શોધવાની ડ્રાઈવ ચાલી રહી છે. જેના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થઈ હોવાની રજૂઆત એક વર્ષ પહેલા થઈ હતી. જેની તપાસ ઝોન 7 એલસીબી, સ્થાનિક પોલીસ અને સર્વેલન્સની ટીમ કામે લાગી હતી. છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા ગુમ યુવતીના કેસમાં માહિતી મળી હતી. જેના આધારે બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના : ધારા કડીવાર જૂનાગઢથી 19 જૂન 2022ના રોજ પોતાના ઘરેથી યુવતી નીકળી હતી. જેમાં યુવતી અને તેની સાથે સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને અમદાવાદના મીત શાહ એક ગાડીમાં અમદાવાદ આવવા નીકળ્યા હતા. જે બાદ સુરજ ભુવાજી અને મીત શાહ દ્વારા પાલડી પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેઓ ધારા સાથે જ્યારે અમદાવાદ આવ્યા હતા, મીતના ઘરે ધારાને મુકી સુરજ અને મીત બન્ને હોટલમાં રોકાયા હતા. તે સમયે 20 જૂનના રોજ વહેલી સવારે ધારા સ્વેચ્છાએ પોતાના સામાન લઈને મીતના ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં ગુમ થઈ ગઈ હોવાની અરજી મીત સોલંકીએ તે સમયે પાલડી પોલીસને આપી હતી.
ગુમ થવા અંગેની નોંધ કરી : તે સમયે પાલડી પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ હાજર હતા. તે જ સમયે બપોરના એક વાગે આસપાસ ધારાના મોબાઈલથી સુરજ ભુવાજીને વ્હોટ્સએપ પર અમુક મેસેજ આવ્યા હતા, જેમાં ધારાએ મેસેજ કર્યો હતો કે હું હમેશા માટે તારા જીવનમાંથી દૂર જાઉ છું, હું સ્વેચ્છાએ તને છોડીને જાઉ છું એટલે મને શોધવાનો કે પોલીસના લફડામાં પડીશ નહીં. જે બાદ એકાદ મહિના બાદ ધારા કઢીવાલનો મીત નામનો ભાઈ પાલડીમાં બહેન ગુમ થયેલી છે અને છેલ્લે તે સુરજ સોલંકી સાથે હતી તેવી હકીકત જણાવી ગુમ થવા અંગેની નોંધ કરી હતી. ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી.
ચોટીલા પાસે ગામમાં કરાઈ હત્યા : આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે, 19મી જૂને ધારા જ્યારે સુરજ અને મીત શાહ સાથે જૂનાગઢથી નીકળ્યા ત્યારે ત્રણેય જણાએ ચોટીલા ખાતે રાત્રે ભોજન બાદ ચોટીલાની બાજુમાં વાટાવચ નામનું ગામ છે. જ્યાંનો સુરજ સોલંકી રહેવાસી હોય ત્યાં ધારાને લઈ ગયા હતા. સુરજે તે સમયે ધારાને એવુ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે વકીલને ફી ચૂકવવાની છે તે પૈસા લેવા માટે વાટાવચ ગામે જવુ જરૂરી છે. જેથી ધારા માની જતા ત્રણેય જણા વાટાવચ ગામમાં ગયા હતા. રાતના 11 વાગે આસપાસ તેઓ ગામની સીમમાં પહોંચ્યા હતા, જ્યાં કારમાં ધારા આગળની સીટ પર બેઠી હતી અને સુરજ સોલંકી ડ્રાઈવર સીટ પર બેઠો હતો અને મીત શાહ પાછળની સીટ પર બેઠો હતો. સીમમાં પહોંચ્યા બાદ સુરજ પૈસા લેવાના નામે કારમાંથી ઉતરી જતો રહ્યો હતો, જે સમયે સુરજનો ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશી આ બન્ને ત્યાં આવ્યા હતા અને ધારા સાથે બોલાચાલી કરી ધારાને સુરજના જીવનમાંથી જતી રહેવા માટે ધમકાવી હતી.
અવાવરુ જગ્યાએ ધારાની મૃતદેહ સળગાવ્યો : જે સમયે કારમાં પાછળની સીટ પર બેઠેલા મીત શાહે ધારાને એના જ દુપટ્ટાથી ગળે ટુંપો આપીને તેની હત્યા કરી હતી. જે બાદ અન્ય આરોપીઓ પણ સાથે મળી ધારાને ગળે ટુંપો આપીને તેની હત્યાને અંજામ આપી તેના મૃતદેહને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં સુરજનો મુકેશ સોલંકી નામનો મીત્ર જેને અગાઉથી પૈસા આપી પેટ્રોલની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ તમામ આરોપીઓ જેમાં સુરજ, મીત, ગુંજન, યુવરાજ અને મુકેશ તમામે ભેગા મળીને આસપાસથી સૂકા લાકડા અને ધાસ લાવી ધારાના મૃતદેહ પર મુકી તેને સળગાવી બોડીનો નાશ કર્યો હતો.
મિત્રની માતાએ ધારાના કપડા પહેરી રચ્યો તેને સ્વાંગ : આ પ્રકારે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો, ત્યાર બાદ સુરજ અને મીત બન્ને એક ગાડીમાં અમદાવાદ આવ્યા હતા અને અન્ય મીત્રો ધારાનો મૃતદેહ સંપૂર્ણપણે સળગી ન થઈ જાય ત્યાં સુધી ઘટના સ્થળે જ હાજર રહે છે. બાદમાં અલગ ગાડીમાં અમદાવાદ આવે છે. સુરજ અને મીત જ્યારે અમદાવાદ આવે છે, ત્યારે સનાથલ ચોકડી પાસે સુરજના મિત્ર સંજય સોહેલિયાને ફોન કરીને બોલાવી તેને ધારાના કપડાં પહેરાવી માથા પર ઓઢણી ઓઢાડી ગાડીની અંદર બેસાડે છે. જેથી CCTVમાં ગાડીની અંદર ધારા સહિત 3 લોકોની હાજરી જોવા મળે તેવુ સ્વાંગ રચ્યું હતું. જે બાદ તેઓ મીતના ઘરે આવી અને આ સમગ્ર ઘટનાની જાણ મીતના માતા મોનાબેન શાહને કરી હતી.
ધારાના ફોનથી મુંબઈથી ગુંજને કર્યા વોટ્સએપ મેસેજ : જે બાદ મીતનો ભાઈ જુગલ શાહ જે ધારાનો મોબાઈલ મીત અને સુરજની સાથે ગાડીની અંદર લાવ્યા હતા. તે ફોન બંધ કરી સનાથલ તરફ ગયા હતા અને અન્ય આરોપીઓ ત્યાં ભેગા થયા હતા. જે બાદ અન્ય આરોપીઓ બીજી ગાડીમાં સનાથલ આવ્યા હતા, ત્યારે જુગલ શાહ ધારાનો ફોન આપ્યો હતો અને ધારાનો ફોન લઈને ગુંજન જોશી, યુવરાજ અને મુકેશ બીજી ગાડી લઈને મુંબઈ ખાતે ગયા હતા અને વસઈ ખાતે પહોંચી ત્યાં ગુંજન જોશીએ ધારાનો મોબાઈલ ચાલુ કરીને તેના પરથી સુરજ સોલંકીને ધારાના નામે વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. જે સમયે સુરજ પાલડી પોલીસ સ્ટેશનમાં હાજર હતો અને તેણે આ ચેટ બતાવીને પોલીસને વિશ્વાસમાં લીધી હતી.
તપાસમાં આરોપીઓએ કરી કબૂલાત : આ તમામ હકીકતો પોલીસ સમક્ષ આવતા પોલીસે ગુનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ સમગ્ર કાવતરું જૂનાગઢમાં રચ્યુ હોય અને હત્યા કર્યા બાદ પુરાવાનો મૃતદેહ કરી પોલીસની ગેરમાર્ગે દોરી આ આ મામલે IPCની કલમ 302 (હત્યા), 120 બી (કાવતરું રમવા બાબતે), 201 (પુરાવાઓનો નાશ) જેવી કલમોનો ઉમેરો કરી ફરિયાદ દાખલ કરી છે.
હાઈકોર્ટની મેટરમાં વકીલને મળવાના નામે આવ્યા અમદાવાદ : ધારા અને સુરજ બન્ને જૂનાગઢમાં રહેતા હોય અને વર્ષ 2021થી બન્નેને ઓળખતા હતા. આ પરિચય પ્રેમસંબંધમાં પરિવર્તિત થતા બન્ને એક સાથે એક ઘરમાં રહેતા હતા. સુરજ પરિણીત હોવાથી પત્નિ અને બાળકોથી અલગ ધારા સાથે રહેતો હતો. જોકે તે દરમિયાન તે પત્નિ અને બાળકો સાથે રહેવા માંગતો હોવાથી ધારા અને સુરજ વચ્ચે અવારનવાર અણબનાવ થતા હતા. જે સમયે સુરજ ભુવાની લાગ્યું હતું કે તે તેના પરિવાર સાથેનું જીવન જીવવા નહીં દે એટલે તેણે મીત શાહ સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે સમયે ધારાએ સુરજ સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. જે કેસ જૂનાગઢમાં ચાલતો હતો અને તે બાબતની એક સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ હતી. જે સમયગાળામાં બન્ને વચ્ચે સમાધાન થતાં બન્ને સાથે જ જૂનાગઢમાં રહેતા હતા. જેમાં હાઈકોર્ટની મેટરમાં વકીલને મળવા જવાનું કહીને અમદાવાદ લઈને આવ્યા હતા.
આ રીતે ઉકેલાયો ભેદ : આ મામલે પોલીસે આરોપીઓને લીધેલા નિવેદન અને તેઓની કોલ ડીટેઈલમા વિરોધાભાસ આવતા અલગ અલગ રીતે આરોપીઓને બોલાવી નિવેદન લેતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે આઠ આરોપીઓ જેમાં ગુંજન જોશી (સફેદ શર્ટ), સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી (વાદળી શર્ટ), મુકેશ સોલંકી (પીળી ટીશર્ટ), યુવરાજ સોલંકી (કાળી ટીશર્ટ), સંજય સોહેલિયા (ક્રીમ ટી શર્ટ), જુગલ શાહ (મરૂન શર્ટ), મિત શાહ (કાળી ટી શર્ટ), મોના શાહ(લાઈનીંગ કુર્તા)ની ધરપકડ કરી છે.
આ અંગે છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને અંતે આરોપીઓના નિવેદન અને તેઓની કોલ ડિટેઈલનું એનાલીસીસ કરતા તેમાં વિરોધાભાસ જોવા મળતા આરોપીઓની કડકાઈથી પુછપરછ કરતા તેઓએ આ ગુનાની કબૂલાત કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - ભગીરથસિંહ જાડેજા (ઝોન 7 DCP)
જૂનાગઢ પોલીસને તપાસ : ઝોન 7 LCBની ટીમે ઝીરો નંબરથી મૂળ જૂનાગઢની રહેવાસી ધારાના હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પુરાવાના નાશ કરવા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે જૂનાગઢ બી ડીવીઝન પોલીસને સોંપાઈ છે, ત્યારે હવે એક વર્ષ પહેલા થયેલી હત્યાના પુરાવા એકત્ર કરવા પોલીસ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું.