અમદાવાદ: રાજ્યમાં પાછલા દસ દિવસથી દરરોજ 200થી વધુ કોરાનાના નવા કેસ સામે આવી રહ્યા છે અને 24 કલાકમાં સરેરાંશ 20 જેટલા લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ભયજનક સ્થિતિ કોરોનાને લીધે નિર્માણ થઇ છે તો એ ગુજરાત જ છે. ગુજરાતની સ્થિતિ એવી છે કે, દેશભરમાં નોંધાયેલા કુલ કોરોના પોઝિટિવ કેસ પૈકી 12 ટકા ગુજરાતમાં જ નોંધાયા છે. કદાચ આ સ્થિતિની ગંભીરતાને ધ્યાન રાખીને જ કેન્દ્ર સરકારે દિલ્હી AIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને તેમના સાથીને નિરીક્ષણ માટે અમદાવાદ મોકલ્યા હતા.
રાજ્યમાં હાલ 5157 કોરોના એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 2545 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં પાછલા દસ દિવસમાં 1200થી વધુ દર્દીઓને સારવાર આપ્યા બાદ સાજા જાહેર કરવામાં આવ્યા છે. સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારા પાછળ ડિસ્ચાર્જ નીતિઓમાં ફેરફારને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ICMR દ્વારા હવે બે નહીં પરંતુ એક ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જો દર્દીને આગામી ત્રણ દિવસ સુધી કોઈ લક્ષણ કે સમસ્યા ન થાય તો તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ દર્દીને બે વાર ટેસ્ટ આવ્યા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં મોટાભાગના જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8195 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 71 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. નિષ્ણાતો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં મોટા પ્રમાણમાં મૃત્યુ પાછળ લેટ ડિટેકશન છે. લોકોને કોરોના ચેક કરાવવામાં વિલંબ કરે છે અને તેના માટે જેટલું મોડું હોય તેમાં મૃત્યુની સંભાવના પણ વધુ રહે છે. દર્દીઓ શરૂઆતમાં આવે તો સારી રીતે સારવાર થઈ શકે તેમ છે.