અમદાવાદઃ બુધવારની મોડી રાત્રે ઈસ્કોન બ્રીજ પર અકસ્માત જોવા ઊભેલા ટોળા પર કાર ચલાવી દેનારા તથ્ય પટેલની ધરપકડ કરાઈ છે. જેમાં કાયદાકીય તપાસ અને કોર્ટમાં પેશવી બાદ એનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટે નેગેટિવ આવ્યો છે. એટલે કે ડ્રાઈવ કરતી વખતે તથ્ય પટેલ કોઈ પીધેલી હાલતમાં ન હતો અને કોઈ પ્રકારનો નશો કરેલી સ્થિતિમાં ન હતો.
24 કલાક બાદ રીપોર્ટઃ જે સમયે અકસ્માત થયો એના ચોવીસ કલાક બાદ ડ્રાઈવર-આરોપી તથ્યનો રીપોર્ટ લેવામાં આવ્યો છે. એટલે આ રીપોર્ટની વચ્ચેના સમયગાળા ઉપર પણ પ્રશ્નો થઈ રહ્યા છે. અકસ્માત જે સમયે થયો એ સમયે યુદ્ધના ધોરણે સારવાર બાદ ધરપકડ કરીને કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. બુધવારે મોડી રાત્રે અકસ્માત થયો, ગુરૂવારે સવારે 11.40 વાગ્યે એનો રીપોર્ટ કરાવાયો હતો. જેનું પરિણામ શનિવારે આવ્યું છે. આટલા સમય બાદ કોઈ પણ નશો ઊતર્યો હોય એ સ્વાભાવિક માની શકાય છે.
ટેસ્ટ લેટ કેમઃ બુધવારે રાત્રીના સમયે જ પોલીસે એક ખાનગી હોસ્પિટલમાં જઈને એનો બ્લડ રીપોર્ટ કરાવ્યો હોય તો? આ પ્રશ્ન વચ્ચે જોરશોરથી ચર્ચામાં છે. એટલું જ નહીં એની સાથે રહેલા એના મિત્રોને પણ એ રાત્રીના સમયે પકડીને ટેસ્ટ કરાવવામાં કેમ ન આવ્યા? હવે ટેસ્ટનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે પોલીસ તથ્યને બ્લડ ટેસ્ટ માટે લઈ ગઈ એ સમયે તેણે માથું દુખવાના અને પીડામાં દર્દ થવાના બહાના કાઢ્યા હતા. ખોટા નાટક કરીને તેણે ત્રણ કલાક બગાડ્યા હતા. હવે FSLના રીપોર્ટમાંથી કાર ડ્રાઈવની સાચી હકીકત સામે આવી શકે છે.
સંયુક્ત પૂછપરછઃ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ કાયદા પ્રમાણે એમને સરકારી ભોજન આપવામાં આવ્યું હતું. પિતા અને પુત્રને એક જ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તથ્યના પિતા પ્રજ્ઞેશે ઘરેથી ટિફિન માટેની માગ કરી હતી. તથ્યને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.