અમદાવાદઃ એક તરફ સમગ્ર દેશ અને વિશ્વ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે આંતકવાદી હુમલાનો પણ ડર ચારેય તરફ સતાવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં થતા હુમલા અને દિલ્હીમાં પકડાતા આંતકવાદીઓ આ અંગેના પુરાવા છે પરંતુ હવે ફરી અમદાવાદ પર આંતકી હુમલાની દહેશત છે. અમદાવાદમાં આતંકવાદી હુમલાની આશંકા ખુદ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યકત કરી છે.
પોલીસ તંત્રને મળેલા IB અને ગૃહમંત્રાલયના ઈનપુટને આધારે જ આ આશંકા વ્યકત કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડી શહેરીજનોને સતર્ક રહેવા માટેની આપી છે. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ પ્રમાણે કમિશનરે આ જાહેરનામું પાડ્યું છે. ભાટિયાએ જાહેર સ્થળો, મૉલ્સ અને દુકાનોમાં હાઈ ડેફિનિશનવાળા CCTV લગાવવા સૂચના આપી છે અને આગામી 15 દિવસ સુધી ફૂટેજ રાખવા કમિશનરે આદેશ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળતા ઇનપુટના આધારે અમદાવાદમાં જુદા-જુદા આતંકી સંગઠનો દ્વારા જાહેર સ્થળો પર હુમલાના દહેશતની સંભાવના છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા તારીખ 11-06-2020થી તારીખ 09-08-2020 સુધી કલમ 144 મુજબનું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, આતંકી સંગઠનો સાઇકલ, સ્કૂટર તથા અન્ય વાહનોનો ઉપયોગ કરીને ભયજનક કૃત્યને અંજામ આપવાની કોશિશ કરી શકે છે. જેથી વાહનોનું ખરીદ વેચાણ કરતા તમામ વેપારીઓએ ગ્રાહક પાસેથી જરૂરી સરકારી પૂરાવા રેકોર્ડ પેટે લેવા અને વેચાણ કરેલા વાહનના એન્જિન–ચેસીસ નંબરથી માંડીને તમામ વિગતો પણ રેકોર્ડ પર લેવી તેવી ખાસ સૂચના આપવામાં આવી છે, તથા તમામ જગ્યાએ CCTV લગાવાની સૂચના આપવામાં આવી છે.
જો કે, હાલ શહેર ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ATS સહિત તમામ એજન્સી અને પોલીસ સતર્ક બની છે. સ્થાનિક લોકોને પણ સતર્કતા દાખવવા અપીલ કરવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના અથવા વ્યક્તિ જાણવા કે દેખાય તો તુરંત 100 નંબરનો સંપર્ક કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે સાદાઈથી રથયાત્રા યોજાવાની છે. તેમ છતાં પોલીસે દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારી કરી શરૂ કરી છે. સાદાઈથી રથયાત્રા યોજાવાની હોવા છતાં કોરોના અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અર્ધ લશ્કરી દળો અને અન્ય જિલ્લાની પોલીસ 17 જૂને અમદાવાદ આવી જશે અને 20 જૂને તેઓને બંદોબસ્ત ફાળવી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લો આતંકી હુમલો 26 જુલાઈ 2008ના રોજ થયો હતો. તેમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત નીપજ્યા હતા.