અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હીથી લોકોને ફોન કરી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમે દિલ્હીથી ઝડપી પાડ્યા છે.
ફરિયાદી પીનાકીન અમીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી, તેમને 20 એપ્રિલે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનાર એસ.બી.આઈ ક્રેડિટ કાર્ડમાંથી ફોન કરે છે તેવી ઓળખ આપી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવા અને રિડીમ પોઈન્ટ પૈસામાં કન્વર્ટ કરાવવા કાર્ડની ડિટેલ અને ઓટીપી મેળવ્યો હતો અને વૉલેટમાં 51,628 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા .ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ટેક્નિકલ એનાલિસિસ કરતા જાણવા મળ્યું હતું કે આ ફ્રોડ કરતી ટોળકી નવી દિલ્હી સ્થિત મોહનગાર્ડન સ્થિત કાર્યરત છે જેને આધારે સાયબર ક્રાઈમના અધિકારીઓ અલગ અલગ ટિમ બનાવી દિલ્હી ગયા હતા અને તપાસ કરી રેડ કરી હતી જેમાં 18 યુવતી અને 8 યુવકની ધરપકડ કરી હતી.
આરોપીઓ જુદા જુદા મોબાઈલ નંબરોથી ભારતના જુદા જુદા રાજ્યોમાં ફોન કરી પોતે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લઈને ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી ઓ.ટી.પી.નંબર મેળવી લેતા હતા અને પૈસા ઈ- વૉલેટમાં ટ્રાન્સફર કરી લેતા હતા અને ત્યારબાદ જુદા જુદા એકાઉન્ટમાં લઈને કન્વર્ટ કરાવી લેતા હતા.
આરોપી પૈકી દિપક મેમગેન, મોહિતકુમાર, શહેનશાહઆલમ મુખ્ય આરોપી છે જે કોલરને સીમકાર્ડ અને વોલેટ પૂરું પાડતા હતા અને કોલરને દર મહિને 10,000 પગાર અને 3000 જેટલી ઇનસેન્ટિવ આપતા હતા.પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.