અમદાવાદ: ગુજરાત ATS એ નકલી નોટ છાપતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમદાવાદના ચાંદખેડા અને સરદારનગર વિસ્તારમાં આ ધંધો ચાલતો હતો. એની ચોક્કસ બાતમી ATSને મળી હતી. ATS એ એક ટીમ તૈયાર કરીને એક મોટા દરોડા પાડીને 500 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે. ભેજાબાજો એ આ માટે એક મકાન પણ ભાડા પેટે લીધું હતું.
નોટ છાપવા મકાન પણ ભાડે રાખ્યું: ATS દ્વારા જુહાપુરાના ફ્તેહવાડી વિસ્તારમાં રાતના સમયે નકલી નોટ છાપતા ચાર લોકોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી 500 રૂપિયાની 96 નોટ અને અન્ય 500 રૂપિયાની એક જ તરફ પ્રિન્ટ કરેલી 26 નોટ મળી આવી હતી. પોલીસને એક કલર પ્રિન્ટર તેમજ કોરા કાગળ, લીલા રંગની પટ્ટીની રીંગ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. ATS દ્વારા સરખેજ અને જુહાપુરામાં રહેતા આરીફ મકરાણી, ફૈઝાન મોમીન, મુજમીલ ઉર્ફે મૂજજો શૈખ અને અસ્લમ ઉર્ફે રિસ્કી શેખની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીનો મજુર અને ડ્રાઇવર તરીકે કામકાજ કરે છે. પોલીસે ચારેય આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે જુહાપુરામાં નકલી નોટ છાપવા મકાન ભાડે રાખ્યું હતું.
એક તરફ જ પ્રિન્ટ કરેલી નોટ: રાતના સમયે નકલી નોટ છાપતા હતા. આરોપીઓએ પહેલી વખત જ 500ની 48 નંગ નકલી નોટો છાપી હતી. જોકે અન્ય 500ની 26 જેટલી નોટો એક તરફ જ પ્રિન્ટ કરેલી મળી આવી હતી. આરોપીઓ આ નકલી નોટોને નાના વેપારીઓ પાસે જઈને વટાવવાનાં હતા. જોકે આ ચારેય પોતાના પ્લાનને અંજામ આપે તે પહેલાં જ ATS દ્વારા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો Ahmedabad News : 40 વર્ષથી બંધ પડેલી મિલના હક અને વ્યાજની રકમ ન મળતા કામદારોએ કર્યો વિરોધ
ચારેય શખ્સોની ધરપકડ: હાલતો પોલીસે જુહાપુરાના ભાડે રાખેલા મકાનમાંથી નકલી નોટો છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. ચાર આરોપીઓની અટકાયત કરી છે. જોકે હવે ATSએ આ આરોપીઓએ અગાઉ કોઈ આ પ્રકારનુ કૌભાંડ કર્યું છે કે કેમ અથવા તો નકલી નોટોને બજારમાં ઘુસાડી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત એપીએસના DYSP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે ચારેય શખ્સોની ધરપકડ કરી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. હાલ પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ કરવામાં આવી છે.