અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરેલા રિ-જોઈન્ડર એફિડેવિટમાં રજુઆત કરી હતી કે, કોઈપણ નાગરીક કે વ્યકિતને સુરક્ષા મળવી એ મૂળભુત અધિકાર છે જેથી રાજ્ય સરકારે સોંગદનામામાં જે જણાવ્યું હતું કે વ્યકિતગત સુરક્ષા આપી શકાય નહિ એ વાત ખોટી છે. 16મી જુલાઈ 2018ના રોજ રિવ્યુ કરીને સંજીવ ભટ્ટની સુરક્ષા પરત ખેંચવામાં આવી હતી. તે રિવ્યુ કઈ રીતે કરવામાં આવ્યુ અને કઈ પદ્ધતિ કરાયું એ મુદે પણ સોંગદનામામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અગાઉ સંજીવ ભટ્ટના વકીલ ઉત્કર્ષ દવે જસ્ટીસ એસ.એચ. વારો સમક્ષ દલીલ કરી હતી કે, અરજદાર શ્વેતા ભટ્ટ અને તેમના પરીવારને વારંવાર મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લોકો તેમના ઘરની રેકી કરી રહ્યાં છે, વળી પોલીસ અને અસામાજીક તત્વો પીછો કરતા હોવાની પણ રજુઆત કરાઈ હતી. અરજદારના પતિ સંજીવ ભટ્ટ સપ્ટેમ્બર 2018થી જેલમાં છે તેથી પરીવારને સુરક્ષા આપવામાં આવે.સુરક્ષા પુનઃ મેળવવા માટે સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનવણી માટે સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો આદેશ કર્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત વર્ષ જુલાઈ 2018માં સંજીવ ભટ્ટને પુરી પાડવામાં આવેલી સુરક્ષા સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી જ્યારબાદ પુનઃ સુરક્ષા મેળવવા સંજીવ ભટ્ટે ઓગસ્ટ-2018માં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પાલનપુર NDPS કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જામનગર કસ્ટોડિયલ કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી.