કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીવતી વકીલ પંકજ ચાંપાનેરીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, 27 મે 1964ના રોજ મૃત્યુ પામેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધી સમન્સ પ્રમાણે કોર્ટમાં હાજર રહી શકશે નહી. જેથી તેમને આ તારીખે કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવે, જે માગને કોર્ટે સ્વીકારી લીધી હતી.
એડીસી બેન્ક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટમાં પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થયો હતો. જેથી ગત્ 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27મી મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા 748 કરોડ રૂપિયાનો બદનકક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પહેલાની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્ટિટમાં એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી..જે વાંચીને અમે અમારૂ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.
એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એડીસી બેન્ક પર ખોટી રીતે 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. તેટલું જ નહીં પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવ્યો હતો તેથી બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.