અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં 12મી મેના રોજ બપોરના સમયે એક હત્યાની ઘટના બની હતી. પાર્થ હોસ્પિટલ સામેની ગલીમાં આવેલી પંકજ સોસાયટીમાં આકાશ દેસાઈ તેના મોટા ભાઈ અલ્પેશ દેસાઈ અને સાજન દેસાઈ તેમજ માતા પિતા અને ફોઈનો દીકરો અનિલ ઘરે હાજર હતા. તે વખતે કાનજી તેમજ આશિષ અને તેની સાથેના અન્ય બે ઈસમો લાકડીઓ લઈને તેઓના ઘર તરફ આવીને ઝાપા ઉપર લાકડીઓ અને પથ્થર મારતા હોય જેથી આકાશ દેસાઈ અને તેનો ભાઈ અલ્પેશ અને સાજન તેમજ ફોઈનો દીકરો અનિલ પણ લાકડીઓ લઈને ઘરની બહાર નીકળતા સામેવાળા પાછા પડ્યા હતા.
યુવકને કારથી કચડીને હત્યા: રોડ ઉપર આવતા જ રણછોડ ગોબરભાઇ તેમજ વાલુભાઇ પણ આ લોકોની સાથે થોડા દૂર હાજર હતા અને તેઓના હાથમાં પણ ધોકા હતા. તમામ ફૂટપાટના પેવિંગ તેમજ પથ્થરો અને ધોકા લાકડીઓ ઉપર ફેંકતા હતા તેમાંથી એક પથ્થર અલ્પેશ દેસાઈને માથાના ભાગે વાગ્યું હતું. બરાબર તે જ વખતે સફેદ કલરની એક i20 કાર ધસી આવી હતી. જે કાર વિશાલ દેસાઈ ચલાવતો હોય અને આરોપીઓએ ગાડીથી ઉડાડી દે આમને પૂરા કરી નાખ તેવી બુમો મારી હતી.
હોસ્પિટલમાં મોત: વિશાલે દેસાઈએ કાર પુરઝડપે ચલાવી ફરિયાદી ઉપર કાર ચઢાવવા જતા તે અને તેનો ભાઈ સાજન ખસી ગયો હતો અને મોટો ભાઈ અલ્પેશ દેસાઈને આરોપીએ કારથી ટક્કર મારી હતી. જેના કારણે તે ગાડીના બોનેટ ઉપર આવી ગયો હતો અને 15 ફૂટ દૂર સોસાયટીના રોડ ઉપર પટકાઈ ગયો હતો. તે કાર ઘટના બાદ ચંદ્રનગર તરફ જતી રહી હતી. જે બાદ પરિવારના સભ્યોએ અલ્પેશ દેસાઈને પાર્થ હોસ્પિટલ ખાતે લઈ જતા આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
'આરોપીઓ અને ફરિયાદી તેમજ મૃતક બચ્ચે એક ગેરસમજના લીધે ઝઘડો ચાલતો હતો, હાલ તો ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ તો આ સમગ્ર મામલે ઝોન 7 એલસીબીની ટીમે ગુનામાં સામેલ વિશાલ દેસાઈ તેમજ તેની સાથે આશિષ દેસાઈ અને વિક્રમ દેસાઈની ધરપકડ કરી પાલડી પોલીસને સોંપવામાં આવ્યા છે.' -ભગીરથસિંહ જાડેજા, DCP, ઝોન 7 અમદાવાદ
નજીવી બાબતે ઝગડો: આ ઝઘડા પાછળનું કારણ તપાસ કરતાં સામે આવ્યું કે ફરિયાદીની સામેની સોસાયટીમાં રહેતો વિશાલ દેસાઈ અલ્પેશ દેસાઈ વિશે ખોટી વાતો કરતો હતો કે અલ્પેશે તેની પાસેથી ઉછીના પૈસા લીધા છે અને પરત કરતો નથી. જે બાબતને લઈને હત્યાની ઘટના બની તેની આંગળી રાત્રે પણ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે ઝઘડો થયો હતો.