ગત 11મી જુલાઈના રોજ અમદાવાદ CBI કોર્ટ દ્વારા અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય આરોપી દિનુ બોધા સોંલકી, શાર્પ શુટર શીવા સોલંકી સહિત કુલ 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગત 6 જુલાઈના રોજ CBI કોર્ટે આ કેસના તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
20મી જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ બહાર બાઈક પર આવેલા બે હુમલાખોરોએ અમિત જેઠવાને ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી. અમિત જેઠવાએ ગીરમાં ગેરકાયદેસર રીતે થતાં ખનન મુદ્દે કેટલીક RTI કરી હતી. જેમાં પૂર્વ સાંસદ દિનું બોઘાનું નામ સામે આવ્યું હતું. ગીર અભ્યારણ એશિયાટીક સિંહોનું એક માત્ર રહેણાંક સ્થાન છે.
અમદાવાદ CBI જજ કે. એમ. દવે સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠકથી સાંસદ દિનુ સોંલકી અને અન્ય સાત લોકોને આરોપી જાહેર કર્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દિનુ બોધા વિરૂદ્ધ CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. CBIએ કેસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, અમિત જેઠવાએ ગીર અભ્યારણમાં ચાલતાં ગેરકાયદેસર ખનન મુદ્દે RTI કરતા હતા જેની દાજ રાખીને સોંલકીએ હત્યા કરાવી હતી. કોલ રેકોર્ડ ડેટાના આધારે CBI હત્યાકાંડના આરોપીઓ સુધી પહોંચી હતી.
CBI અગાઉ આ કેસની તપાસ અમદાવાદ DCB દ્વારા કરવામાં આવી હતી જેમાં શિવા સોલંકી, શૈલેષ પંડયા, સંજય ચૌહાણ, ઉદય ઠાકોર સહિત 6 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જો કે DCBએ તમામ આરોપીઓને ક્લીનચીટ આપી દીધી હતી.