હાઇકોર્ટે એવી માર્મિક નોંધ પણ કરી હતી કે,‘જ્ઞાતિના આધારે સમાજના ભાગલાનો મુદ્દો અનિયંત્રિત રીતે ફેલાઇ રહ્યો છે. તેથી આ ક્ષતિને તાકીદે દૂર કરવાની જરૂર છે.’
આંતરજ્ઞાતિય, અન્ય ધર્મમાં અથવા તો કેટલાક કિસ્સામાં પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓને સમાજ-કુટુંબના રોષનો ભોગ બનવો પડે છે. તેઓ સતત જીવના જોખમ સાથે જીવે છે. આવા અનેક દંપતિઓ જીવની સલામતી માટે પોલીસ પ્રોટેક્શન માગે છે, જેમાં પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતાં તેમને હાઇકોર્ટ સમક્ષ આવવું પડે છે. આવા જ બે કેસોમાં હાઇકોર્ટના જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ ત્રણ-ત્રણ મહિનાનું પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો હતો.
બનાસકાંઠાના મીના અને સંજય (નામ બદલ્યું છે)એ હાઇકોર્ટમાં અરજી કરીને એવી રજૂઆત કરી હતી કે,‘તેમણે ૨૨મી માર્ચે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે અને તેઓ સતત ભય નીચે જીવી રહ્યાં છે. સ્થાનિક પોલીસને રજૂઆત કર્યા છતાં તેમણે પોલીસ પ્રોટેક્શન આપ્યું નહોતું. તેથી આ દંપતિ ભારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.’
એક અન્ય કેસમાં ગાંધીનગરના એક જ જ્ઞાતિના દંપતિએ પણ પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે,‘૨૭મી ફેબ્રુઆરીના રોજ તેમણે લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના માતા-પિતાની ઇચ્છાની વિરૂદ્ધ કરવામાં આવ્યાં હતાં. તેમણે હાઇકોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી. જેમાં એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક રાજકીય વ્યક્તિ તેમના લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે અને સુખેથી જીવવા દેતો નથી.’
હાઇકોર્ટે શક્તિવાહિનીમાં સુપ્રીમ કોર્ટના આદેશને કરતા ત્રણ મહિનાનું પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ નોંધ્યું હતું કે,‘હાલના તબક્કે ત્રણ મહિનાનું પોલીસ પ્રોટેક્શન આપવાનું રહેશે અને સંબંધિત સુપ્રિન્ટેન્ડન્ટ પાછળથી સંજોગોના આધારે સમય વધારી પણ શકે છે. અરજદાર દંપતિને કોઇ મુશ્કેલી હોય તો તેઓ કોર્ટ સમક્ષ ફરી ઉપસ્થિત થઇ શકે છે.’