અમદાવાદઃ આજે અમદાવાદનું આકાશ મોટાભાગે સ્વચ્છ રહ્યું હતું. જેને લઇને સવારે 10 કલાક અને 19 મીનીટથી બપોરના 01 કલાક અને 39 મીનીટ સુધી સૂર્યગ્રહણનો અદભુત નજારો શહેરના લોકો માણી શક્યા હતા. જો કે, કોરોના વાઇરસના સંક્રમણને લઈને દર વખતની જેમ આ વર્ષે વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા સૂર્યગ્રહણ માણવાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
પોલીમરથી બનેલા વિશિષ્ટ ચશ્માંની મદદથી થોડીક સેકન્ડ માટે સૂર્યગ્રહણ માણી શકાય છે. જેથી આંખોને નુકસાન થતું અટકાવી શકાય. સામાન્ય રીતે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જતા તેનો પડછાયો પૃથ્વી પર પડે છે. જે કારણે થોડા સમય માટે પૃથ્વીના કેટલાક ભાગ પર સામાન્ય અંધારું છવાઈ જાય છે.
ખગોળશાસ્ત્રથી અલગ ધાર્મિક રિવાજો પ્રમાણે તેની એક અલગ માન્યતા છે. ગ્રહણને અપશુકનિયાળ માનવામાં આવે છે. જેથી મંદિરો પણ દેવ દર્શન માટે બંધ રાખવામાં આવે છે. જ્યારે ભક્તોને ઘરે રહીને ઈશ્વરનો જાપ કરવા માટે જ્યોતિષાચાર્ય કહેતા હોય છે.
જેમ 2020નું વર્ષ વિશ્વ માટે સારું રહ્યું નથી. તેમ આ ગ્રહણ પણ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉથલ પાથલ સર્જે તેવી સંભાવના છે. કોરોના વાઇરસથી પણ નજીકના સમયમાં રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.