અમદાવાદ: દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય અત્યારે ટ્રમ્પનો ભારત પ્રવાસ છે. શહેરના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટની મોટેરા સ્ટેડિયમની અદભૂત કૃતિ તૈયાર કરવામાં આવી હતી.
અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે 6 ફૂટ લંબાઈ અને 6 ફૂટ પહોળાઈ ધરાવતા મોટેરા સ્ટેડિયમની અદભૂત કૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં મોદી અને ટ્રમ્પ એકબીજાને નમસ્તે કરે છે. સાથે સાથે સ્વામી વિવેકાનંદજી તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદ પ્રકાશ સ્વામીના કટ આઉટ પણ મુકવામાં આવ્યા છે. આ પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે તા.24 સુધી રાખવામાં આવી છે. આ કૃતિને તૈયાર કરતા 80 કલાક થયા છે.કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, તા. 24ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટન માટે પધારે છે. ત્યાં બંને વડાઓ સભાને સંબોધન કરશે. આપણા સૌના માટે આનંદની વાત છે કે, બંને દેશની મિત્રતા વધશે અને આખા વિશ્વમાં બંને દેશનો સર્વાંગી વિકાસ થશે.સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ વખત શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદા પ્રિય દાસજી સ્વામી તા. 16- 4- 1948 -માં આફ્રિકા ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર અને પ્રસારની પહેલ પાડી હતી. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશમાં જતા થયા હતા.