- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી આવી સામે
- કોરોના નેગેટિવ હોવા છતાં પોઝિટવનું બોર્ડ માર્યુ
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત બેદરકારીનો ભોગ આર્મી પરિવાર બન્યું છે. આર્મી જવાનની પત્ની કોરોના પોઝિટિવ ન હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા તેમના ઘર બહાર ક્વોરન્ટીન વિસ્તારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આર્મીના કર્મચારીની પત્નીને કમરની સારવાર માટે નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં બોર્ડ કેવી રીતે લગાવ્યું તે સવાલ છે.
કોર્પોરેશનની વધુ એક બેદરકારી આવી સામે
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા પરિશ્રમ એપાર્ટમેન્ટમાં મહેશ પરમાનંદ ધાનક પત્ની પુષ્પા સાથે રહે છે. તેઓ રાજસ્થાનમાં આર્મી એન્જિનિયરીંગ સર્વિસમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. 29મી નવેમ્બરના દિવસે મહેશની પત્ની પુષ્પાબેનને કમરના મણકામાં ઇન્ફેક્શન લાગતાં નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ડૉક્ટરોએ પુષ્પાબહેનનો કોરોના રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો અને તેઓનું મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પત્ની સાથે હોસ્પિટલમાં રહેતા મહેશભાઈ બે દિવસ પહેલા પોતાના ઘરે ગયા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્વોરન્ટીન વિસ્તારનું બોર્ડ લાગેલું જોઈ રોષે ભરાયા હતા. કોર્પોરેશનની ભૂલને કારણે લોકો તેમના પર શંકા કરે છે. તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમને પણ કોરોના નથી છતાં કોર્પોરેશને આ રીતે બોર્ડ લગાવી દીધું છે. તેમણે કોર્પોરેશનને બોર્ડ હટાવવા માટે જાણ કરી છે.