અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન લોકોમાં સ્વાસ્થય બાબતે ડર વધી ગયો છે. તેમજ લોકો સ્વાસ્થય બાબતે સતર્કતા રાખતા શીખી ગયા છે. કોરોના વાઈરસ દરમિયાન તંત્ર પણ પ્રજાના સ્વાસ્થય અંગે સજ્જ થયુ છે. ત્યારે તંત્ર દ્વારા સતર્કતા જળવાઈ રહે તેમજ લોકોના સ્વાસ્થય સાથે કોઈ બેદરકારી ન થાય તેથી તંત્ર દ્વારા અર્બન તેમજ ગ્રામીણ વિસ્તારમાં ચાલતા ખાનગી ક્લીનીકમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન બદરખા ગામ ખાતે ડિગ્રી વિનાના ડોક્ટર પોતાનું પ્રાઇવેટ દવાખાનું ચલાવતા હતા. જે અગાઉ કોઇ પ્રાઇવેટ દવાખાનામાં કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની બેઠેલા ડાહ્યાભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉંમર ૬૫ વર્ષના દવાખાના પર રેડ કરતા રંગે હાથે ઝડપાયા હતા.
ધોળકા અર્બન આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તેમજ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ અરવિંદભાઈ અસારીએ એક સાથે રેડ કરી બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો.
આમ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર જે કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હતા. મળેલી બાતમીના આધારે સ્વાસ્થ્ય વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરતા બદરખા ગામે પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્લિનિક પરથી એલોપથી દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે ધોળકા રૂરલ પોલીસમાં ધોળકા અર્બન સ્વાસ્થય કેન્દ્રના મેડીકલ ઓફિસર દ્વારા બોગસ ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.