અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા 261 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈમાં 180, બાવળામાં 90 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 191, ધંધુકામાં 28, વિરમગામમાં 103, બાવળામાં 91 અને માંડલ તાલુકામાં 31 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યા છે.
અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.46 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 261 અને સાણંદમાં 191 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.