અમદાવાદઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો ભારતભરમાં શ્રેષ્ઠ છે એવો મત વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાને ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે, ત્યારે નાબાર્ડ RIDF વેરહાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈક્રો ઈરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણા ભંડોળથી સહાય આપે છે. તે માટે આભાર દર્શાવ્યો હતો.
મુખ્ય પ્રધાને કૃષિ, સિંચાઈ, ફીસિરીઝ અને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત સરકાર કરવાની નેમ આ અવસરે વ્યક્ત કરી હતી. મુખ્ય પ્રધાને ખાસ કરીને કૃષિ અને સિંચાઇ ક્ષેત્રમાં તેમજ મહિલા સશક્તિકરણની પહેલરૂપ એવી મુખ્ય પ્રધાન મહિલા ઉત્કર્ષ યોજના નાબાર્ડની વધુ સહભાગિતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને નાબાર્ડના ગુજરાત ચીફ જનરલ મેનેજર મિશ્રા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
નાબાર્ડના ચેરમેને જણાવ્યું કે, ગુજરાતમાં આ વર્ષે નાબાર્ડ 39 FPO ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન શરૂ કરવાની છે. રાજ્યમાં નર્મદાના જળ સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં પહોંચાડી કૃષિ ક્રાંતિ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ માટેની સૌની યોજનામાં અત્યાર સુધી 9 હજાર કરોડનો ફંડિંગ આપેલું છે. એટલું જ નહીં વિવિધ સિંચાઇ યોજનાઓ માટે પણ 16 હજાર કરોડ રૂપિયા રાજ્યની નાબાર્ડના સહયોગથી મળ્યા છે.