ઝાલાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષના પ્રમુખને કહેવા માગું છું. આ પહેલા પણ અનેકવાર અનેક લોકોએ પાર્ટી વિરુદ્ધના કામો કર્યા છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે અલ્પેશ ઠાકોરે મેન્ડેટ વિરુદ્ધ જઈને કોઈ કામ કર્યું નથી, ત્યારે અલ્પેશ સામે પગલાં લઈને કોંગ્રેસ આજે જનતાના વિરોધમાં જઈ રહી છે.
અલ્પેશ ઠાકોર એક કદાવર નેતા છે અને તેમને આગળ વધતા રોકવાનું આ ષડયંત્ર છે. અલ્પેશે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે તેઓ આજે પણ છે. ભરત ઠાકોર હોય, અલ્પેશ હોય કે હું, અમે ધારાસભ્ય પદેથી ક્યારેય રાજીનામુ આપ્યું નથી.
પાર્ટીને ક્યાંય પણ એવું લાગતું હોય કે મેં પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે, તો મારા વિસ્તારમાંથી કોઈ પુરાવો આપે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે અને આવનારી 23મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તેનું પરિણામ પણ ભોગવવું પડશે.
પ્રભારી, પ્રમુખને આવનાર દિવસોમાં દિલ્હીનું તેડુ આવશે. સમય આવશે ત્યારે કોંગ્રેસના ક્યાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે તે જાહેર કરીશું. ઘણા કોંગ્રેસના નેતાઓ અમારી સાથે છે. કોંગ્રેસને એક-બે વ્યક્તિનાં કારણે નુકશાન થાય છે, ત્યારે આગામી સમયમાં તમામ તથ્યો બહાર લાવીશું.