આ ફરિયાદ નોંધાયા બાદ એસપી મયૂર ચાવડાના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી અને પોલીસે મળીને પાંચ દિવસમાં જ પેપર લીક કઈ રીતે થયું તે શોધીને આરોપીઓને દબોચી લીધા છે. જેમાં પાટણના તલાટી શાળાના સંચાલક, આચાર્ય અને શિક્ષકની સંડોવણી બહાર આવી છે. જાણો ઝડપાયેલા આરોપી વિશે...
1ઃ પ્રવિણદાન શિવદાન ગઢવી, સાઈનસુપર વંદેમાતરમ, ગોતા (વોન્ટેડ)
- સંખેશ્વર તાલુકાના પંચાસર ગામ ખાતે તલાટી કમમંત્રી તરીકે નોકરી, પત્ની ઉમેદવાર હોવાથી પેપર લીક કરવા કાવતરું રચ્યું, પેપર લીક કરી બીજા આરોપીઓ અને પાટણ વિસ્તારમાં ફરતું કર્યું.
2: મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, (ચિરાગપાર્ક, દાણીલીમડા)
- એમ. એસ. સ્કૂલનો સંચાલક છે, જેની મદદથી પ્રવિણદાન પરીક્ષા સમયે સ્કૂલમાં આવ્યો અને પેપર લીક કર્યું.
3: વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (બી-3-96, નવી રાયખડ પોલીસ લાઈન, રાયખડ)
- એમએસ સ્કૂલનો આચાર્ય અને બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષાનો ઉમેવાર પણ હતો. પેપરલીક સમયે સ્કૂલે આવ્યો હતો અને ફોડેલું પેપર લઈ જતો રહ્યો હતો.
4: ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી (બી-1, 203, બુરહાની પાર્ક, વટવા)
- એમ. એસ. સ્કૂલનો શિક્ષક જે પરીક્ષા સમયે સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે હતો અને પેપરની પેકેટ નીચેથી કાપીને અંદરથી પેપર કાઢી પ્રવિણદાને આપ્યું હતું.
5: રામભાઈ નરેશભાઈ ગઢવી (પાલીતાણા, અખાડા વિસ્તાર, ભાવનગર)
- પ્રવિણસિંહ ગઢવીનો સાળો જેણે સૌરાષ્ટ્ર પંથકમા પેપર ફરતું કર્યું હતું. જેની સામે અપહરણ, આર્મ્સએક્સ, સરકારી કર્મચારી પર હુમલો, રાયોટિંગ જેવા 18 ગુના નોંધાયેલા છે.
6: લખવીદરસિંગ ગુરુનામસિંગ સીધુ (ઈ-108, એએમટીએસ, સ્ટાફક્વાટર્સ, જમાલપુર)
- પ્રવિણ ગઢવીએ આપેલું પેપર યુનિવર્સિટી ખાતે આર્થિક ફાયદા માટે અનેક લોકોમાં ફરતું કર્યું હતું. જે માટે 10થી લઈને 25 હજાર રૂપિયા નક્કી કર્યા હતા.
7: દિપક પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ જોષી (દુલારી એપાર્ટમેન્ટ, કરમસદ, આણંદ)
- પેપરલીક સમયે સ્કૂલ પાસે હાજર હતો, લીક પેપર પ્રવિણદાન ગઢવીના સાળા રામદાન ગઢવીને આપ્યું હતું. જેને પોલીસે સૌથી પહેલાં પકડ્યો હતો અને જેની પૂછપરછમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. દિપક પહેલાં રામદાનનો ડ્રાઈવર હતો, જેની સામે આણંદમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો છે.
કાવતરાના ભાગે પ્રવિણદાન 16 નવેમ્બરના રોજ દાણીલીમડાની એમ. એસ. પબ્લિકસ્કૂલમાં ગયો હતો. જ્યાં સ્કૂલના સંચાલક ફારુકના હુકમથી પ્રવિણ ગઢવીને શાળામાં પ્રવેશ મળ્યો હતો અને ટ્રસ્ટીની ઓફિસની બાજુની ઓફિસમાં તે બેઠો હતો, જ્યાં સીસીટીવી નથી. બીજી તરફ આચાર્ય વિજેન્દ્રસિંહ પણ તે દિવસે નરોડા બાજુ પરીક્ષા હોવા છતાં સ્કૂલમાં આવ્યો હતો. જેના કહેવાથી સ્કૂલના શિક્ષક અને પરીક્ષાના સુપરવાઈઝર ફકરૂદ્દીને ટ્રસ્ટીની ઓફિસમાં પડેલાં સીલબંધ પેપરોમાંથી એક કાઢીને પ્રવિણદાનને આપ્યું હતું. જેના ફોટો પાડીને પ્રવિણદાન નીકળી ગયો હતો અને વિજેન્દ્ર પણ નીકળી ગયો હતો.
પરીક્ષા દરમિયાન ગૌણસેવા પંસદગી મંડળ તરફ આવેલા સુપરવાઈઝર શ્વેતાબેન પંડ્યાને આરોપીઓએ ફાઈલવર્ક સહિતના કામમાં બીઝી રાખી નજર ચૂકાવી એક બંડલ કાઢી લીધું હતું. જેમાં બંડલની નીચેની બાજુ ચેકો મારી એક પેપર કાઢ્યું જે D સીરિઝનું હતું. જે બાદ ફરી નીચેથી બંડલ પેક કરી અન્ય બંડલો સાથે મુકી દીધું હતું. શ્વેતા પંડ્યાની ભૂમિકાને પણ શંકાસ્પદ રીતે જોવામાં આવી રહી છે, ત્યારે તેમની સામે પણ કાર્યવાહી કરાશે. આરોપીઓએ તોડેલું બંડલ પરીક્ષા શરૂ થવાની પાંચ મિનિટ પહેલાં જ મોકલ્યું હતું. જેથી ઉતાવળમાં કોઈનું ધ્યાન જાય નહીં. જે બંડલ વિદ્યાર્થીઓની સામે જ ખુલ્યું હોવાની સહી તેઓએ ઉમેદવારો પાસેથી લીધી હતી. જોકે તેમની આ કરામત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
હજુ પણ ગાંધીનગર પોલીસ એટીએસ અને અમદાવાદ ક્રાઈમની મદદથી તપાસ ચલાવી રહી છે. જેમાં અન્ય રસ્તાઓ પણ તપાસવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં જ જગ્યાએથી પેપર લીક થયા હતા તે તમામને વિગત મેળવીને તપાસ હાથ ધરવામાં આવશે, જ્યારે અત્યાર સુધી 30 જેટલા ઉમેદવારોની પૂછપરછ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.