અમદાવાદ: અમદાવાદ શહેર જાણે ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં 48 કલાકમાં જ અત્યારના પાંચ અલગ અલગ બનાવો બન્યા છે. નિકોલ, મેઘાણીનગર, દરિયાપુર, ઘાટલોડિયા અને શહેરકોટડામાં હત્યાના બનાવો બન્યા છે.
12 ઓગસ્ટે મોડી રાતે નિકોલ વિસ્તારમાં વિકલાંગ મંગા નામના યુવકની નિર્દયતાથી તેના જ મિત્ર કમલ મારવાડીએ હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે વહીલચેર અને લોહીના નિશાન મળી આવતા આસપાસની જમીન ખોદી હોય તેવું લાગી રહ્યું હતું, ત્યાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા કરનાર આરોપી કમલ મારવાડીની પણ ધરપકડ કરી હતી.
મેઘાણીનગરમાં પણ 12 ઓગસ્ટે બપોરના સમયે જાહેરમાં કેતન દીક્ષિત નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. સામાન્ય બોલાચાલીમાં યુવકના ખભાના ભાગ ઉપર તેજસ નામના આરોપીએ છરીના ઘા માર્યા હતા. જેથી કેતનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ હત્યાના આરોપી પોલીસ પકડથી દૂર છે.
14 ઓગસ્ટે દરિયાપુરમાં રાતના 10 વાગ્યાના અરસામાં પૈસાની લેવદેવડની વાત થયા બાદ સામાન્ય બોલાચાલીમાં અશરફખાન નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક અને તેના અન્ય સાથી ઉછીના પૈસા આપેલા તે લેવા ગયા હતા, ત્યારે શાંતિથી વાત કરી હતી, જે બાદ અચાનક જ આરોપી સાજીદ ત્યાં આવી પહોંચ્યો હતો અને અચાનક જ છરી કાઢીને મૃતકને પેઢામાં મારી હતી. તેમજ તેના સાથીને હાથમાં મારી હતી. જે દરમિયાન અશરફ ખાનનું મોત નીપજ્યું હતું. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની હદના મેમનગરના ઠાકોરવાસમાં સસીતા એપાર્ટમેન્ટમાં નિખિલ સુર્યવંશી નામના યુવકની હાથપગ બાંધેલી અને ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મારનાર વ્યક્તિ મૂળ દ્વારકાનો છે અને અપંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યાનો આરોપી હજુ ફરાર છે તે અંગે પોલીસે તપાસ કરી રહી છે.
શહેરકોટડામાં પણ પરિણીતાને તેના જ પતિએ જ ગળામાં ચપ્પુ મારી હત્યા કરી દીધી છે. કેટલાય સમયથી રાજશ્રી નામની મહિલા તેના દીકરા સાથે પિયરમાં રહેતી હતી. ત્યારે તેનો પતિ મળવા આવ્યો હતો અને બોલાચાલી કરીને ચપ્પુ રાજશ્રીના ગળામાં માર્યું હતું, ત્યારે રાજશ્રીનું મોત થયું હતું. આ મામલે પોલીસે રાજશ્રીના પતિ શૈલેશની ધરપકડ કરી છે.
આમ, છેલ્લા 48 કલાકમાં જ 5 હત્યાના બનાવ બનતા અમદાવાદ હત્યાઓનું શહેર બન્યું છે. તમામ હત્યાઓ સામાન્ય તકરાર, બોલાચાલી અને અંગત અદાવતમાં કરવામાં આવી છે. જેમાં 3 હત્યાના આરોપીને પોલીસે પકડ્યા છે, જ્યારે 12 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.