અમદાવાદઃ ગુજરાતના 48 ધારાસભ્યો મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ 48 બેઠકોનું રીયાલિટી ચેક કરવા જશે. તેઓ 19 ઓગસ્ટે ભોપાલ પહોંચી જશે.20 ઓગસ્ટથી તેઓ ગ્રાઉન્ડ પર જઈને સર્વે કરશે અને ભારતીય જનતા પક્ષને રીપોર્ટ આપશે.
સમગ્ર રણનીતિ અમિત શાહ તૈયાર કરશેઃ આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્યમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. જે પૈકી 39 ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી દીધી છે. મધ્યપ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાંથી 48 ધારાસભ્યો અને એમપીને 48 વિધાનસભાની બેઠકની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રો અનુસાર કુલ 48 ધારાસભ્યોએ 48 બેઠક પર સર્વે, બુથ મેનેજમેન્ટ સુધીનો રીપોર્ટ તૈયાર કરવાનો રહેશે. જીત હારની શક્યતા તપાસવાની અને પક્ષે શું કરવું અને શું ન કરવું, તે પણ રીપોર્ટમાં જણાવશે. પક્ષે આ ધારાસભ્યોની કામગીરીને ખાનગી રાખી છે. સત્તાવાર રીતે કોઈ કહેવા તૈયાર નથી. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રણનીતિ કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ તૈયાર કરશે અને તે મુજબ કામગીરી કરાશે. ગુજરાતના 48 ધારાસભ્યો મધ્યપ્રદેશ જશે તેઓએ અમિત શાહની રણનીતિથી કામ કરવાનું રહેશે.
કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય છે, ત્યારે અલગ અલગ રાજ્યના સાસંદ, ધારાસભ્ય કે કાર્યકર હોય તે ત્યાં જતા હોય છે. પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં પણ ગયા હતા. એટલે હવે જ્યાં જ્યા ચૂંટણી છે ત્યાં કાર્યકરો જશે.વધુમાં ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્રથી પંસદ કરાયા ધારાસભ્યો 19 ઓગસ્ટે ભોપાલ પહોંચી જશે. ત્યાં રાષ્ટ્રીય સહસંગઠન મહાસચિવ શિવ પ્રકાશ હાજર રહીને આ ધારાસભ્યોને પોતાના કામ અંગે માર્ગદર્શન આપશે. 20 ઓગસ્ટે બધા જ ધારાસભ્યો તેમને સોંપેલ બેઠક પર ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કરવા પહોંચી જશે...સી.આર. પાટીલ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ)
કોણ મધ્યપ્રદેશ જશેઃ જે 48 ધારાસભ્યો મધ્યપ્રદેશ જવાના છે તેમાં હાર્દિક પટેલ, કૌશિક જૈન, પંકજ દેસાઈ, કેતન ઈનામદાર, દિનેશ કુશવાહા, પાયલ કુકરાણી, વિપુલ પટેલ, કેયુર રોકડિયા, મહેન્દ્ર ભાભોર, શૈલેષ ભાભોર, નિમિષાબહેન સુથાર, અમુલ ભટ્ટ, ગણપત વસાવા, રાજેન્દ્રસિંહ રાઠવા, રમણલાલ પાટકરનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને અમને મધ્યપ્રદેશમાં વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે અને ત્યાં જઈને અમારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ પર નજર રાખવાની છે. ઉપરાંત ત્યાં જે સારી કામગીરી હશે તેનો પણ પોતાના વિધાનસભા વિસ્તારમાં તે કામગીરી થાય તે રીતનું આયોજન પણ અમારા તરફથી કરવામાં આવ્યું છે અને અમે 19 ઓગસ્ટના રોજ ભોપાલ પહોંચીશું અને ત્યારબાદ પક્ષ દ્વારા જે વિધાનસભાની જવાબદારી આપવામાં આવશે, તે વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે બેસીશું અને મુલાકાત કરીશું...પાયલ કુકરાણી(ધારાસભ્ય, નરોડા)