અમદાવાદ: અમદાવાદના માધવપુરામાંથી ઝડપાયેલા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અગાઉ પકડાયેલા આરોપી નિલેશ રામીને વેલોસીટી સર્વરની મેટા ટ્રેડર એપ્લિકેશન આપનાર આરોપી પરેશ ઠક્કરને લુક આઉટ સર્ક્યુલરના આધારે જયપુર એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે આ ગુનામાં સામેલ વધુ ત્રણ આરોપીઓની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે.
આઠ દિવસના રિમાન્ડ: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સત્તાવાર આપવામા આવેલા નિવેદન મુજબ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ક્રિકેટ સટ્ટા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામી નામના આરોપીની અગાઉ ધરપકડ કરી હતી. જેને વેલોસીટી સર્વરની મેટા ટ્રેડર એપ્લિકેશન આપનાર પરેશ ઠક્કર નામનો આરોપી હોય અને તે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતો હોય પરંતુ આ ગુનો દાખલ થયા બાદ તે નાસતો ફરતો હોય અને તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હોય જોકે તે દુબઈ ભાગવા જતો હતો. તે પહેલા જ જયપુર એરપોર્ટ ઓથોરિટી તેને ડીટેઇન કરી સ્ટેટ મોનેટરીંગ સેલને સોંપતા સ્ટેટ મોનિટરિંગ સેલે તેને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અત્યાર સુધી કુલ 15 ઝડપાયા: પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછમાં દુબઈના આરોપી દીપક ઉર્ફે ડીલક્ષ ઠક્કર તેમજ ભરતભાઈ ઠક્કરે વેલોસીટી સર્વર બનાવી ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે. વેજલપુર અમદાવાદ ખાતે પીએનટીસી કોમ્પલેક્ષના 11 માં માળે VVIP સોફ્ટવેર નામથી ઓફિસ ધરાવી વેલોસીટી સર્વરનું કામ અમિત ઉર્ફે મુકેશ ખત્રી ઓપરેટ કરતો હોવાનું અને તેની મદદમાં પ્રકાશ ઉર્ફે ચીકુ માળી પણ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે અમિત ઉર્ફે મુકેશ ખત્રી અને પ્રકાશ ઉર્ફે ચીકુ માળી નામના બનાસકાંઠાના યુવકોને ગાંધીનગર ખાતેથી પકડી પાડ્યા છે.
મુદ્દામાલ કબજે: આ મામલે તપાસ કરતા ગુનામાં સામેલ અને નાસતો ફરતો આરોપી જીગર ભાવસાર કે જે સાબરમતીનો રહેવાસી હોય તેને પણ સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીનગર ખાતેથી ઝડપીને ત્રણેય આરોપીઓ પાસેથી બે લેપટોપ, ચાર મોબાઇલ, રોકડ 71,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં સ્ટેટ મોનિટરિંગ સહેલી કુલ 15 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.