અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2018 તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી.શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ ત્રણેય આરોપીઓ સામે એસઆઇટીની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે સેશન્સ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
તિસ્તા સેતલવાડે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી : આર.બી. શ્રી કુમાર બાદ હવે આજની સુનાવણી દરમિયાન તિસ્તા સેતલવાડે કોર્ટમાં આ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી દાખલ કરી છે. જોકે શ્રી કુમારની અગાઉ ડિસ્ચાર્જ અરજી ફગાવામાં આવી છે. ત્યારે હવે તિસ્તા સેતલવાડ દ્વારા અરજી કરવામાં આવતા કેસમાં ફરી એકવાર ચાર્જફ્રેમની પ્રક્રિયા અટકી પડી છે.
સંજીવ ભટ્ટ જેલમાં કેદ છે : જ્યારે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝા દ્વારા અગાઉ સંજીવ ભટ્ટને પાલનપુરની જેલમાં મળવા જવાની અરજી કરવાની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. કોર્ટની પરમિશન બાદ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝા તેમને પાલનપુર જેલમાં મળવા ગયા હતા. જ્યાં તેમની સાથે પાંચ કલાક જેટલી વાતચીત કરી હતી.
શ્રી કુમારની અરજી પણ ફગાવામાં આવી : પૂર્વ ડિજીપી આઈ.બી. શ્રી કુમાર દ્વારા જે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જે દરમિયાન આર.બી.શ્રી કુમારે આજની સુનાવણીમાં હાજર રહેવું પડ્યું હતું. અત્રે મહત્વનું છે કે ગત સુનાવણીમાં શ્રીકુમાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. તેમની સામે પૂર્વગ્રહ રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી તેમની આ કેસમાંથી દોષમુક્ત કરવામાં આવે.
03 જૂલાઇના વધુ સુનાવણી હાથ ધરાશે : રાજ્ય સરકાર દ્વારા તેમની આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમની આ અરજીને નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા તેમના તમામ પુરાવાઓ અને સાબિતીને ધ્યાનમાં રાખીને તેમની આ અરજીને ફગાવી દીધી હતી. આ સમગ્ર મામલે હવે 03 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તિસ્તાની ડિસ્ચાર્જ અરજી અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે. ત્યારે કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.