અમદાવાદઃ વર્ષ 2002ના રમખાણ કેસના મુખ્ય આરોપીઓ તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમાર સામે મેટ્રો કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો. તે કેસ મેટ્રો કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવે તેવી સરકારે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. એટલે હવે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં થશે.
27મીએ વધુ સુનાવણીઃ સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણીની સાથે જ ત્રણેય આરોપીઓ તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમાર સામે 27 ફેબ્રુઆરીએ ચાર્જફ્રેમ હાથ ધરવામાં આવશે. 27 ફેબ્રુઆરીએ તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહે તેવી પણ શક્યતાઓ છે. તેમ જ આ કેસની વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો કેસઃ મહત્વનું છે કે, વર્ષ 2002ના ગુજરાતના રમખાણોના કેસમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપ્યા બાદ આ ત્રણેય આરોપીઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ તિસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજીને ફગાવી દેતા બંને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં તિસ્તા સેતલવાડની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જ્યારે આર. બી. શ્રીકુમારના શરતી જામીન મંજૂર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો તિસ્તા સેતલવાડને નિર્દેશઃ જોકે, ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની આ જામીન અરજી ફગાવી દેતા તેણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આ કેસની તપાસમાં એજન્સીને સહકાર આપવાના નિર્દેશ આપીને વચગાળાના જામીન આપ્યા છે. મહત્વનું છે કે, હવે સરકાર દ્વારા આ કેસને સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા ત્રણેય આરોપીઓ સામે હવે ચાર્જફ્રેમ થશે.
શું હતો સમગ્ર કેસ?: ગુજરાતમાં 27 ફેબ્રુઆરીએ ગોધરા કાંડ બાદ ગુજરાતમાં જે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે રમખાણોનાં કેસમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય અનેક વરિષ્ઠ અધિકારીઓને સંડોવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં આ ત્રણેય આરોપીઓ મુખ્ય રીતે ભાગ ભજવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આના કારણે આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો.
આ પણ વાંચો Gujarat High Court : ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના પત્નીની પોલીસ રક્ષણ અરજી હાઇકોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ગુજરાત તોફાનો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આપ્યો હતો આદેશઃ જોકે સુપ્રીમ કોર્ટે ગુજરાત તોફાનો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ તમામ કેસ બંધ થઈ ગયા હતા. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાલતો હતો.