અમદાવાદ: નવા પોલીસ કમિશનર આદેશ બાદ પાડવામાં આવેલી રેડમાં જુગારધામ ઝડપાયું છે. આ દરમિયાન 19 નબીરાઓને મુદ્દામાલ સાથે જેલના હવાલે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રથમ વાર અમદાવાદના સરખેજ વિસ્તારમાં ક્રોસ રેડ પાડવામાં આવી છે. થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં બદલીનો પણ મોટો દોર જોવા મળ્યો હતો.
નવા કમિશનર એક્શન મોડમાં: અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદથી પોલીસ કમિશનર જી.એસ મલિક દારૂ જુગાર અને ડ્રગ્સની ગેરિરીતી અટકાવવાના ઉદ્દેશ્યને પુરુ પાડવાના કામે લાગી ગયા છે. તેવામાં થોડા દિવસો પહેલા જ શહેરનાં 51 જેટલા પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી જેમાં અન્ય જિલ્લામાંથી આવેલા 28 પીઆઈને પોસ્ટીંગ આપવામાં આવ્યું, જે બાદ પોલીસ કમિશનરે શહેરમાં કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવામા સ્થાનિક પોલીસ કામગીરી નહી કરે તો અન્ય પોલીસ સ્ટેશન દ્વારા આ કામગીરી કરવામાં આવે તેવુ સૂચન કર્યું હતું.
બાતમીના આધારે રેડ: ઝોન 2 એલસીબી દ્વારા આપવામા આવેલી પ્રેસ વિજ્ઞાપ્તી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગેંમ્બલીંગ બુટલેગર ઈરફાન મુશાભાઈ ધાંચી (વોરા) તેના માણસો રાખીને બિલાલ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 2 માં જુગારધામ ચલાવે છે. જેથી ઝોન 2 એલસીબીની ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડતા એક બે નહી પરંતું 19 જુગારીઓ મળી આવ્યા હતા.
19 નબીરાઓ ઝડપાયા: આ મામલે પોલીસે જુગાર રમતા ઈકબાલ ઘાંચી, રીયાઝ ઉમડીયા, યાસીન જીવાણી, ઉમર મીણાપરા, શનાજી ઠાકોર, ઈકભાઈ કુરેશી, સિરાજ વોરા, મહંમદ હુસેન વોરા, હનીફખાન બેલીમ, સફીઅહેમદ કુરેશી, મોહંમદ વફાતી મન્સુરી, મોહંમદ હનીફ શેખ, અબ્દુલગની શેખ, મુસ્તુભાઈ મોમીન, આશીફ ફુલધારા, મેહમુદ શેખ, ફરીદ વોરા, ધનશ્યામ પંડ્યા અને રેમાન ફુલધારા નામનાં આરોપીઓનીઓ ધરપકડ કરી હતી.
પોલીસ કાર્યવાહી: આ મામલે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ 1.04 લાખ, 16 મોબાઈલ ફોન, 2 ટુ વ્હીલર સહિત કુલ 3.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પકડાયેલા આરોપીઓ સામે સરખેજ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામા આવી છે. જોકે આ કેસમાં મુખ્ય આરોપી ઇકબાલ મુશાભાઈ ઘાંચી વોન્ટેડ હોય તેને પકડવાની કાર્યવાહી સ્થાનિક પોલીસને સોંપાઈ છે.