અમદાવાદ: દશેરાના દિવસે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગુજરાતીઓની લાઇન ફાફડા-જલેબીની દુકાને લાગે છે. દશેરાના દિવસે વાહન અને શસ્ત્ર પૂજા બાદ ગુજરાતીઓ સવારનો નાસ્તો ફાફડા-જલેબી ખાય છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં છ લાખ કિલો ફાફડા, ગાંઠીયા, ચોળાફળી અને જલેબી ખવાય છે. જેની અંદાજે કિંમત 15 કરોડ થવા પામે છે. હાલ રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા છતાં દશેરાના દિવસે ફાફડા, ગાંઠીયા, ચોળાફળી અને જલેબી ખાવાના છે. ત્યારે અમદાવાદમાં પણ સવારથી જ ફાફડા-જલેબી માટે લોકોએ લાઈનો લગાવી હતી. કેટલાંક ગુજરાતીઓની સાથે નોન ગુજરાતી લોકોએ પણ ફાફડા-ગાંઠીયા અને જલેબીની જીયાફત માણી હતી. કેટલાંક લોકોએ કહ્યું કે, ગુજરાત અને એમા પણ ખાસ કરીને અમદાવાદમાં બનતા ફાફડા, ગાંઠીયા, ચોળાફળી અને જલેબીને ટેસ્ટ ઓફ ગુજરાત તરીકે બિરદાવે છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો: અમદાવાદીઓને તહેવારની ઉજવણીમાં મોંઘવારી નડતી નથી. તેનો પુરાવો છે કે ફાફડા, ગાંઠીયા, ચોળાફળી અને જલેબીના ભાવોમાં ગત વર્ષ કરતાં આ વર્ષે સરેરાશ 15 થી 20 ટકાના ભાવો વધ્યા છતાં ફાફડા-જલેબીના ચાહકો પેટ ભરીને આરોગે છે. ગત વર્ષે કિલો દીઠ રૂ. 450 થી 550ની આસપાસ ફાફડા-ગાંઠીયા આ વર્ષે સરેરાશ રૂ. 650 સુધી પહોંચ્યા છે. જલેબી રૂ. 700ની આસપાસ હતી, જે આ વર્ષે રૂ. 800 સુધી પહોંચી છે. ચોખ્ખ્યા ધી ની જલેબી બ્રાન્ડેડ શોપમાં 900 થી એક હજાર રૂપિયે કિલો વેચાય છે. ધી, ખાદ્યતેલ અને ચણાના લોટની કિંમતમાં થયેલા વધારા સાથે કારીગરો અને સહાયતોને ચૂકવવા પડતા મજૂરીના વધારાના કારણે આ વર્ષે ફાફડા-જલેબી સહિતના ફરસાણની કિંમતમાં વધારો નોંધાયો છે.
ફાફડા-જલેબી ખરીદવા ગ્રાહકોની લાગી લાઈનો: ગ્રાહકોને ચોખ્ખું ફરસાણ ઉપલબ્ધ મળી રહે એ માટે કેટલાંક દુકાનદારો બ્રાન્ડેડ ઘીના ઉપયોગ સાથે ઘીને લેબોરેટરીમાં ટેસ્ટ કરીને જ વાપરવાનો આગ્રહ રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી ચા પે ચર્ચાનો આરંભ કર્યો હતો એ ઇસ્કોન ગાંઠીયા ગ્રાહકો સામે જ લાઇવ ગાંઠીયા-ફાફડા અને જલેબી બનાવી વેચે છે. દશેરાના પર્વ નિમિત્તે 15 કરોડનું ફરસાણ આરોગી જતા અમદાવાદીઓ આજના દિવસે કેલેરી કે વધતા હાર્ટ એટેકને ભૂલી જાય છે. સવારે ગાંઠીયા-ફાફડા અને જેલબી આરોગી સાંજે રાવણ દહન કરીને દશેરાના પર્વની સ્વાદિષ્ઠ અને ભક્તિથી ઉજવણી કરી બીજા દિવસથી દિવાળીના તહેવાર માટે તૈયાર થઇ જાય છે.