અમદાવાદ: રાજ્યની આઠ મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં હવે નવા હોદ્દેદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક કરવા માટે આજે અમદાવાદ શહેર ભાજપ તરફથી 15 જેટલા કોર્પોરેટરના નામની યાદી જાહેર કરવામાં આવી હતી અને તમામ 15 લોકોને અમદાવાદ શહેર પ્રદેશ પ્રમુખ અમિત શાહની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.
'અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, કમિટીના ચેરમેન સહિતના પદ અધિકારીઓની નિમણૂક કરવા માટે થોડાક દિવસો પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્યો અને AMCના કોર્પોરેટરોના મત લેવામાં આવ્યા. ત્યારબાદ નક્કી કરેલા નામોને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી સ્ટેન્ડિંગ કમિટીના 15 જેટલા સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી ત્રણ જેટલા સભ્યોના નામ રવિવાર સુધીમાં પરત લેવામાં આવશે અને સોમવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ 11 સભ્યોની કમિટીની જાહેરાત કરવામાં આવશે.' - અમિત શાહ, શહેર પ્રમુખ, ભાજપ
11મી સપ્ટેમ્બરે મળશે નવા મેયર: સ્ટેન્ડિંગ કમિટી માટે 15 જેટલા સભ્યોની યાદી બહાર પાડવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી સમક્ષ ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભાવિત ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાંથી 3 જેટલા સભ્યો રવિવાર સુધીમાં પોતાના નામ પરત ખેંચશે. સોમવારે સવારે 11 વાગ્યે મળનાર સામાન્ય સભામાં અમદાવાદ શહેરને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શહેરના નવા મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો મળશે.
સભ્યોની યાદીમાં કોનો સમાવેશ: પ્રદેશ પાર્લામેન્ટ દ્વારા 15 જેટલા કોર્પોરેટર નામની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં જતીનભાઈ ઝવેરભાઈ પટેલ, પ્રિતેશભાઈ વિનોદ ચંદ્ર મહેતા, પ્રદીપભાઈ દેવીપ્રસાદ દવે, મેહુલભાઈ ચીનુભાઈ શાહ, વિજય પંચાલ, પંકજ બચુભાઈ ભટ્ટ, બકુલાબેન મનીષભાઈ એન્જિનિયર , દશરથભાઈ પટેલ, ઓમ પ્રકાશ બાગડી, આરતીબેન પંચાલ, વિપુલ પટેલ, માનસિંહ સોલંકી અને ગિરીશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.