રાહત કમિશ્નર અને સચિવ કે.ડી કાપડિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ-2018માં આ સમયે ગુજરાતમાં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી 136.84 મીટર પર પહોંચી છે, તેવુ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા અને દાહોદમાં 1-1, ભરૂચ અને ગાંધીનગરમાં 2-2 તેમજ વાઘોડિયામાં 4 ટીમ મળી કુલ NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે તેવી આગાહી કરી હતી.
આગામી સંભવિત 26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેવું પણ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે સમગ્ર દેશમાં 1 જૂનથી 10 સપ્ટેમ્બર 2019 સુધીમાં ગુજરાતમાં 20 ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં 44 ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 3 ટકા વધુ વરસાદ થયો છે, તેવુ પણ તેઓએ ઉમેર્યું હતું. આ બેઠકમાં આરોગ્ય પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઉર્જા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતાં.