- ધંધુકા લીમડી રોડ પરના રંગપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના નોંધાઇ
- આઈસર ચાલકે બાઈકને ટક્કરે લેતા બાઈક ચાલકનું થયું મોત
- અકસ્માત સર્જી આઇસર ચાલક આઇસર લઈ ફરાર
અમદાવાદઃ ધંધુકા લીમડી રોડના રંગપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આઈસર ચાલકે બાઈકને ટક્કરે લેતા અંતે બાઈકચાલકનું મોત થયું હતુ. ધંધુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.સી.બી. ચૌહાણના જણાવ્યા પ્રમાણે અકસ્માતની ઘટના સર્જનારા વાહનની ઓળખ કરી શકે તેવા માર્ગદર્શકને સાથે રાખી હેડ કોન્સ્ટેબલ રાજભા ચુડાસમાં સહિતની ટીમ અકસ્માત સર્જી ભાગી છુટેલા આઇસર ચાલકને ઝડપી લેવા ફિલ્મી ઢબે પીછો કરતા લીમડી તરફ જઈ રહેલા આઇસર ચાલકને વનાળા ગામ નજીકથી તેને દબોચી લેવામાં આવ્યો હતો.
અકસ્માત ઘટના અંગે વધુ તપાસ
ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગણપતભાઇ પરસોત્તમભાઈ ખડસલિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે ધંધૂકા પોલીસે આઇસર ગાડીના ચાલક કમાલુદ્દીન લલ્લુ ખાન મેવ રહે જાફરાબાદ વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ 177, 184, 134 b, જ્યારે IPC કલમ 279, 337, 338, 304એ મુજબ ગુનો નોંધાવ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં મૃત્યું પામેલા બાબુભાઈ વજા ભાઈ કણજારીયા ઉંમર 40 વર્ષ રહે ગલસાણા તાલુકા ધંધુકા વાળાનું રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અકસ્માત ઘટના અંગે વધુ તપાસ ધંધુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ મયુરીબેન ચલાવી રહ્યા છે.