સેન્ટ જ્હોન્સ : કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં ભારે વિનાશ સર્જાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો તેમના ઘરમાં કેદ છે. ક્રિકેટ પણ સંપૂર્ણ પણે સ્થગિત છે. મોટાભાગના બોર્ડ કોરોનાના કહેર વચ્ચે નુકસાન ઘટાડવા માટે બોર્ડ સ્ટાફમાં ઘટાડો કરી રહ્યાં છે. આ સાથે જ હવે ક્રિકેટરોના પગારમાં પણ કાપ મૂકવાનું શરૂ કર્યુ છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે કોવિડ -19 રોગચાળા દ્વારા સર્જાતા નાણાકીય સંકટને કારણે અસ્થાયી રૂપે સમગ્ર પ્રાદેશિક ક્રિકેટ પ્રણાલીમાં ભંડોળ અને પગારમાં 50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વ્યૂહરચના સલાહકાર સમિતિની ભલામણોને પગલે ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટેલિ-કોન્ફરન્સ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વભરમાં કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ રહી નથી અને ક્રિકેટની પ્રવૃત્તિઓ નિયમિત ધોરણે ક્યારે શરૂ થશે તે અંગે ઘણી અનિશ્ચિતતા છે. વિશ્વની અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય રમત-ગમત સંસ્થાઓની જેમ, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ પણ પૈસા ગુમાવી રહી છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના પ્રમુખ સ્કર્ટિરેટે કહ્યું હતું કે, કોરોના વેસ્ટ ઇન્ડીઝના દરેક કર્મચારીઓને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખેલાડીઓના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય તદ્દન મુશ્કેલ હતો. હાલ, વેસ્ટ ઇન્ડીઝ બોર્ડ ક્રિકેટને ફરીથી યોગ્ય દિશામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવી અપેક્ષા છે કે કેરેબિયન ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.